પેટા ચૂંટણી અંતર્ગત ફોર્મ પરત ખેંચવાનો ગુરૂવારે છેલ્લો દિવસ હતો. જે અંતર્ગત અમરાઈવાડી બેઠક પર ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ બેઠક પર ૧૫ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જો કે બીજા રાઉન્ડમાં ત્રણ ફોર્મ રીજેક્ટ થયા હતા, જ્યારે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેને પગલે હવે અમરાઈવાડી બેઠક પર ૧૧ ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થયું છે. અમરાઈવાડી બેઠક પર એનસીપીના ઉમેદવાર તરીકે વિજયકુમાર યાદવ છે.
આ તરફ લુણાવાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અહીં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે. કેમકે એનસીપીએ આ બેઠક પર પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ અપક્ષોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. એટલે કે હવે પેટા ચૂંટણીમો જંગ ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે છે. ભાજપમાંથી જીગ્નેશ સેવક, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ અને એનસીપીમાંથી ભરત પટેલ ચૂંટણી મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે રાહતની વાત એ છે કે બંને પક્ષો નારાજ કાર્યકરોને મનાવવામાં સફળ રહ્યાં છે. બનાસકાંઠાના થરાદ પેટાચૂંટણીમાં ૭ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કુલ ૧૦ ઉમેદવારો પૈકી ૭ ઉમેદવાર મેદાને ઉતર્યા છે. ભાજપ કોંગ્રેસ અને એનસીપીએ ઉમેદવારી નોંધાવી છે સાથે જ ૪ ઉમેદવારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
મહેસાણા જિલ્લામાં ખેરાલુ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે. ખેરાલુમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. ખેરાલુ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. ભાજપમાંથી અજમલજી ઠાકોર, કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોર, એનસીપીમાંથી પથુજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર તરીકે જરીનાબેન ઠાકોર મેદાનમાં છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચાર ઉમેદવારો મેદાનમાં છે. ખેરાલુ બેઠક માટે કુલ ૭ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૩ ફોર્મ રદ થયા છે. જેમાં એક ફોર્મ ડમી હતું તે રદ થયું. અને એક જ ઉમેદવારે બે ફોર્મ ભર્યા હતા તે રદ થયા.