મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ રાજ્યના ગરીબ અને અંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવીને અદ્યતન આરોગ્ય સેવાઓ નિઃશૂલ્ક મળી રહે તે માટે ‘મા’ અમૃતમ, ‘મા’ વાત્સલ્યમ જેવી યોજનાઓ સરળ અને અસરકારક માધ્યમ બની છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ અમરેલીના રાજૂલામાં રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન સંપન્ન કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રખર રામાયણી સંત મોરારીબાપૂ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી આ અવસરના સાક્ષી બન્યા હતા.
મુખ્યમંત્રીએ આરોગ્ય સંસ્થાઓને અપાતા લાભ વિશે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનો ભાર ઘટાડવાનું કામ ટ્રસ્ટની હોસ્પિટલો કરી રહી છે. આવી નિઃશૂલ્ક સારવાર કરનારી સંસ્થાઓ સરકારની હોસ્પિટલો-આરોગ્ય સેવાઓને પૂરક બની છે. સરકાર આવી સંસ્થાઓનો રીકરીંગ ખર્ચ આપે છે. સવા કરોડનો આવો ખર્ચ આપી વિવિધ આરોગ્ય સંસ્થાઓને સહકાર આપ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારોમાં પણ મેડિકલ કોલેજો બનાવીને અદ્યતન આરોગ્ય સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં પહોચાડવા પ્રતિબધ્ધ છે એમ તેમણે કહ્યું હતું. ભારત સરકારે રાજકોટને એઇમ્સ આપી છે તેનો જેનો લાભ સૌરાષ્ટ્રના દર્દીઓને પ્રાપ્ત થશે. એમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દર્દીનારાયણોની સેવા માટે બનનાર આરોગ્ય મંદિર માટે દાતા, આયોજકો અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવી હોસ્પિટલથી રાજુલા-સાવરકુંડલાના દર્દીઓને ભવિષ્યમાં ઘર આંગણે જ સગવડ પ્રાપ્ત થશે. રાજયની જનતા સ્વસ્થ અને નિરોગી રહે તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી આરોગ્ય સેવાકાર્ય કરી રહી છે ગુજરાતમાં હોસ્પિટલો માટે દાન આપનાર દાતાઓની સરાહના પણ નાયબ મુખ્યમંત્રી એ કરી હતી. સંત પૂજ્ય મોરારીબાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિની આપણે સૌએ ઉજવણી તા. ૨ જી ઓક્ટોબરના રોજ કરી છે. જ્યારે ૩ જી ઓક્ટોબરે ગાંધીજીના વિચારોને કાર્યાન્વિત કરવાનું કામ રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ના નિર્માણ થકી થઈ રહ્યું છે. માનવીને સ્વસ્થ તંદુરસ્ત કરવા સંસ્થા દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે તે અભિનંદનીય છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. હરેશભાઇ મહેતા એ કાર્યક્રમની રૂપરેખા બાંધી હતી. અનિલભાઈ મહેતા, અજયભાઈ મહેતા, પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. નિલાબેન સંઘવીના પુસ્તક ‘સંબંધોનું વિશ્વ’નું પરમ પૂજ્ય મોરારી બાપુએ વિમોચન કર્યું હતું.