અરવલ્લી જિલ્લાના માલપુરના ૩૫ વર્ષીય યુવકનું શંકાસ્પદ સ્વાઇન ફલુના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચાલુ સીઝનમાં સ્વાઇન ફુલનો પ્રથમ કથિત કેસ સામે આવતાં માલપુર સહિત સમગ્ર જિલ્લામાં લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. બીજીબાજુ, તંત્ર પણ આ કેસ સામે આવ્યા બાદ દોડતુ થઇ ગયુ હતુ. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સીઝન અને તાજેતરના પાછોતરા વરસાદના કારણે રોગચાળાએ પણ માથું ઉચકયુ છે. જિલ્લામાં સતત બિમારીના ઓછાયા હેઠળ લોકો ઘેરાયા છે અને જાણે ઘેર-ઘેર માંદગીના ખાટલા મંડાયા છે ત્યારે માલપુરમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નામના યુવકને ત્રણ-ચાર દિવસથી શરદી-ખાંસી તાવમાં પટકાતાં પ્રાથમિક સારવાર લીધા બાદ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર બાદ પણ કોઇ ફેર નહી પડતાં આખરે યુવકને સ્વાઇન ફલુના લક્ષણો જણાતાં તાબડતોબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે રાત્રે યુવકનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી. માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને આ એક જ સંતાન પરિવારમાં હતુ, તેના નિધનથી પરિવારમાં શોકનો માતમ પથરાયો હતો. બીજીબાજુ, શંકાસ્પદ સ્વાઇન ફલુના કારણે સ્થાનિક આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ અને તાત્કાલિક આરોગ્ય વિષયક પગલાં લેવાની પ્રક્રિયા વેગવંતી બનાવી હતી.