કત ઋષિની પરમ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને દુર્ગા માતાએ તેમને ઘરે પુત્રી તરીકે અવતાર ધારણ કર્યો. આ કારણથી તેમનું નામ કાત્યાયની પડ્યું. હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.
પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા. કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે.
કાત્યાયની દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રકટ થઇ મા સ્વયં કાત્યાયનીના દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યાં. માનું આ છટ્ટું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે. માનું વાહન સિંહ છે. છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોક, ભય, સંતાપ સઘળું નષ્ટ થાય છે. ઉપાસના મંત્રો – વિશ્વકર્ત્રીં, વિશ્વભર્ત્રીં, વિશ્વહર્ત્રીં, વિશ્વપ્રીતા વિશ્વાર્ચિતા, વિશ્વાતીતા, કાત્યાયન સૂતે નમોસ્તુતે – ‘ઓમ્ કાં કાં કાત્યાયની સ્વાહા’.
(જી.એન.એસ)