રાજુલા તાલુકાના ખેડૂતો દ્વારા વિવિધ ખેતપેદાશોના વેચાણ-ખરીદી બાબતે અન્યાય મામલે પ્રાંત અધિકારી મારફત રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે. રાજુલાના બારપટોળી ગામના ખેડૂત આગેવાન દેવાયતભાઈ આતાભાઈ વાઘની આગેવાની તળે રાજુલા પંથકના ખેડૂતો દ્વારા રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પ્રાંત અધિકારી, મામલતદાર તથા ડે.કલેક્ટરને પાઠવ્યું છે. આ આવેદનમાં ખેડૂતો દ્વારા એવા પ્રકારે રજૂઆત કરવામાં આવી છે કે, સરકારના નિર્દેષ અનુસાર રાજુલા માર્કેટ યાર્ડ ખાતે મગફળીનો જથ્થો વેચાણ અર્થે લાવવામાં આવેલ પરંતુ અત્રે ટેકાના ભાવે ખરીદી બંધ કરી દેવાતા ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. આ જથ્થો લાંબા સમયથી માર્કેટ યાર્ડમાં પડ્યો હોય ઝણસ બગડવા સાથોસાથ ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓ પણ વેઠવી પડી રહી છે. આથી આ અંગે તત્કાલ ન્યાય કરવામાં નહીં આવે તો નેશનલ હાઈવે બંધ કરી ચક્કાજામ સાથે ખેડૂતો ઉગ્ર આંદોલન છેડશે.