આણંદના માઇભક્તો ગત સોમવારે અંબાજી દર્શન કરી લકઝરી બસમાં ઊંઝા ઉમિયાના માના દર્શને જઇ રહ્યા હતા.તે વખતે ડ્રાઇવરની લાપરવાહીના લીધે લકઝરી બસ પલટી મારતાં ૨૨ ના અકાળે મોત થયા હતા. ઘટનાથી સફાળી જાગેલી સરકારે હવે અકસ્માત સ્થળે કોઈ વાહન ખીણમાં ન પડી જાય તે માટે ૫ ફૂટ ઊંચી ૩૦ મીટર લાંબી દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરશે. જે માટે ગુરુવારે ઘટના સ્થળે તપાસ કામગીરી હાથ ધરી હતી.
અંબાજી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘટનાસ્થળે માપણી કરવામાં આવી હતી.અંબાજી માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર એન.એસ.અડએ જણાવ્યું હતું કે ‘જ્યાં અકસ્માત સર્જાયો છે તે વળાંક ભયજનક છે તેમ છતાં અહીં ૨૩ મીટર રોડ પહોળો છે.
જે અકસ્માત સર્જાયો છે તે ઓવરલોડ અને માનવીય ભૂલના લીધે સર્જાયો છે. તેમ છતાં કોઇ વાહન ખીણમાં પડી ન જાય તે માટે માર્ગ અને મકાન વિભાગ અંબાજી દ્વારા અહીં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે. જેનું કામ ૩ દિવસમાં શરૂ કરાશે.’
ગુરુવારે અકસ્માત સ્થળે દાંતા-અંબાજી ફોરલેન પ્રોજેકટ હેઠળ કામ કરતી એજન્સી દ્વારા ફોરલેન માટેની મંજૂરી મળી જશે એ આશાએ સર્વેની કામગીરી હાથ ધરી જરૂરી માપણી પણ કરવામાં આવી હતી.