પાલિકાના વીસ હજારથી વધુ કર્મચારીઓને રૂ.૭૦ કરોડનો પગાર દિવાળી પહેલા ચૂકવાશે

867

સુરત પાલિકાના વીસ હજારથી વધુ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર દિવાળી પહેલા ચૂકવવામાં આવશે. પાલિકાના કર્મચારીઓને વહેલો પગાર કરવા સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી. દિલ્હીગેટ ફ્લાયઓવર બ્રિજના ઇજારદારને રૂા. સાડા સાત કરોડનું વળતર ચૂકવવા શાસકોએ ના પાડી છે. ઇજારદારને વળતર ચૂકવવાને બદલે કામગીરી મોડી પૂરી કરવા બદલ દંડ અને સજા કરવા ભાજપના સભ્યોએ સૂર વ્યકત કર્યો હતો. સ્થાયી સમિતિ ચેરમેન અનીલ ગોપલાણીએ જણાવ્યું હતું કે પાલિકાના વીસ હજારથી વધુ કર્મચારીઓ તથા પેન્શનરને મહિનો પૂરો થયા બાદ પગાર અને પેન્શન ચૂકવવામાં આવે છે. આ વર્ષે ૨૫મીથી દિવાળી મહોત્સવ શરૂ થાય છે. ૨૭મીએ દિવાળી અને ત્યારબાદ નવું વર્ષ, ભાઇબીજને કારણે બેંકો બંધ રહેશે. દિવાળી પહેલા તમામ કર્મચારીઓને પગાર મળી જાય તે માટે બાવીસમી ઓકટોબરે પગાર ચૂકવવા સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી છે. પાલિકાના કર્મચારીઓના પગાર અને પેન્શન પેટે દર મહિને રૂા.૭૦ કરોડની ચુકવણી કરવામાં આવે છે. ઓકટોબર મહિનામાં આ રકમની ચુકવણી બાવીસમી તારીખે કરવામાં આવશે.

Previous articleવડોદરામાં ૫ લાખ લોકોને આગામી ૫ દિવસ પાણીથી વંચિત રહેવું પડશે
Next articleફાયર સેફ્ટીના અભાવે બે ટેક્સટાઈલ માર્કેટને સીલ કરાઈ