વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતાં લોકો હવે એકબીજાથી દૂર થતાં જઈ રહ્યાં છે ત્યારે પ્રાણી અને માણસના પ્રેમનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું.
આઠ વર્ષથી પરિવારના સભ્ય સમાન બનેલા ટોમ નામના શ્વાનનું ગંભીર બીમારીમાં મોત થતાં તેની વિધિવત અંતિમવિધિ કરવામાં આવી હતી. સાથે જ માણસના મોત બાદ જેમ બેસણું રાખવામાં આવે તેમ ટોમનું પણ પરિવાર દ્વારા બેસણું રાખવામાં આવ્યું છે.
પુણા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ બાબુભાઈ બરવાળીયા વ્યવસાયે સ્કિનના ડોક્ટર છે. આઠ વર્ષ પહેલા ડો.પ્રકાશને તેમના પેશન્ટે ટોમ આપ્યો હતો. ટોમને શરીર પર ગાંઠ નીકળવા લાગી હતી. જેથી ડો.પ્રકાશ તેને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતાં ૩ ઓપરેશન કરાવ્યા હતાં. આ દરમિયાન ડો.પ્રકાશ સતત તેની સાથે રહેતા સાત રાત અને સાત દિવસ સુધી તેમણે ખાધું ન હોવાનું તેમના નજીકના લોકોએ જણાવ્યું હતું.ડો.પ્રકાશના નાનાભાઈ વિપુલ બરવાળીયાએ જણાવ્યું હતું કે, બન્ને વચ્ચે એક આધ્યાત્મિક પ્રકારનો પ્રેમ હતો. ડો.પ્રકાશ વિદેશ હોય તો પણ ટોમ સાથે વીડિયો કોલથી ન જુએ કે તે ન કહે ત્યાં સુધી ટોમ ખાતો પીતો નહોતો.
મુંબઈની હોસ્પિટલમાં ટોમએ અંતિમ શ્વાસ લીધા બાદ નારગોલમાં ડો.પ્રકાશ દ્વારા બનાવવામાં આવી રહેલા ઓશો આશ્રમ ખાતે ટોમની પરિવારના સભ્યોની હાજરીમાં સન્માનપૂર્વક અંતિમવિધિ કરવામાં આવી હતી.ટોમની અંતિમવિધિમાં બરવાળીયા પરિવારની સાથે ડો.પ્રકાશના નજીકના સંબંધીઓ હાજર રહ્યા હતાં. સાથે જ સુરતમાં ટોમનું બેસણું રાખવામાં આવ્યું છે.