સુરતના કતારગામ વિસ્તાર રહેતા અને કાપડ દલાલ તરીકે કામ કરતો સુરેશ ગભરૂ પ્રજાપતિને થોડા દિવસ પહેલા બોમ્બે માર્કેટમાં પાસે એક મહિલા મળી હતી. આ મહિલાએ પોતાનો મોબાઈલ નંબર સુરેશને આપ્યો હતો. મહિલા સુરેશ પ્રજાપતિ સાથે દરરોજ વાત કરતી હતી. સમય જતાં મહિલાએ સુરેશને વિશ્વાસમાં લીધો હતો અને કાવતરું કરીને બુધવારે ફોન કરીને તેને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. સુરેશ મહિલાને મળવા માટે બુટભવાની સોસાયટી પાસે ગયો હતો. અહીં મહિલાએ સુરેશે જણાવ્યું હતું કે, શરીર સંબંધ બાંધવા માટે રૂ. ૮૦૦ આપવા પડશે. સુરેશે આ અંગે હા કહેતા મહિલા તેને અંદરના રૂમમાં લઈ ગઈ હતી. અહીં સુરેશે કપડાં ઉતારતા જ કોઈએ દરવાજો ખખડાવ્યો હતો.મહિલાએ દરવાજો ખોલતા જ ચાર લોકો રૂમમાં ધસી આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. નકલી પોલીસ પાસે દંડો અને હાથકડી પણ હતા. આ લોકોએ સુરેશને માર મારીને રૂ. ૩ લાખ માંગ્યા હતા. એટલું જ નહીં રૂપિયા ન આપે તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ડરી ગયેલા સુરેશ પાસે માત્ર ૧૮ હજાર રૂપિયા હતા તે ઇસમોએ લઈ લીધા હતા, તેમજ વધારાના રૂ. ૨૦ હજાર માંગ્યા હતા. જે બાદમાં સુરેશને છોડી મૂક્યો હતો. બાકીના રૂ. ૨૦ હજાર લેવા માટે સુરેશે આરોપીઓને વરાછા પોલીસ સ્ટેશન પાસે બોલાવ્યા હતા. આ દરમિયાન સુરેશે પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસને માહિતી આપી દીધી હતી. આથી પોલીસે પૈસા લેવા આવેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો.