મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે શનિવાર, તા. પ ઓકટોબર-ર૦૧૯ના રોજ વડોદરા જિલ્લાના ચાણસદમાં વિવિધ પ્રવાસી-યાત્રી સુવિધા વિકાસના કામોનો પ્રારંભ કરાવશે.
બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના વડા વિશ્વ વંદનીય સ્વ. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદમાં પ્રાસાદિક ગામ તળાવનું રૂ. ૧૦ કરોડના ખર્ચે બ્યૂટિફિકેશનના કામો પ્રવાસન વિભાગ ધરવાનો છે.
મુખ્યમંત્રી શનિવારે સવારે ૯/૩૦ કલાકે આ તળાવના બ્યૂટિફિકેશન કાર્ય સહિત આ પરિસરમાં પ્રાગટય તીર્થ, અક્ષર સેતુ, ઓરિએન્ટેશન સેન્ટર, ફૂડ કોર્ટના વિકાસ કામોનો પણ કાર્યારંભ કરાવશે.
પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, યોગેશભાઇ પટેલ તેમજ વડોદરા-છોટાઉદેપૂરના સાંસદો અને ધારાસભ્યો આ વેળાએ ઉપસ્થિત રહેશે.
આ સમારોહમાં ઇશ્વરચરણ સ્વામી અને ડૉ. બ્રહ્મવિહારી સ્વામી સહિત બી.એ.પી.એસ. સંતગણ અને અનુયાયીઓ, આમંત્રિતો ગ્રામજનો પણ સહભાગી થવાના છે.