વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના હાથમાંથી વડોદરા જિલ્લા પંચાયતની સત્તા ગુમાવી છે. ભાજપના ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર નેતા ઈલાબહેન પંચાયતના પ્રમુખ બન્યા છે. ૩૬માંથી ૨૬ સભ્યોએ ઈલાબહેનના પક્ષમાં મત આપ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાજપમાં જોડાયા હતા. કોગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. આમ, વડોદરા જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી લીધી છે.
વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ખરાખરીનો જંગ થયો હતો. જિલ્લા પંચાયતમાં હાલમાં ૩૬માંથી ૨૨ સભ્યો કોંગ્રેસના અને ૧૪ સભ્યો ભાજપના છે. જેમાં કોંગ્રેસના ૧૪ સભ્યોએ બળવો પોકારતા પન્નાબેન ભટ્ટની પ્રમુખની ખુરશી છીનવાઈ હતી. તો બીજી તરફ, કોંગ્રેસના બળવાખોર ઇલાબેન ચૌહાણ ૧૯ સભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ વચ્ચે પ્રમુખપદની ચૂંટણી રસપ્રદ બની રહી હતી. કોઈ અણબનાવ ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
કોગ્રેસના બળવાખોર ઈલાબેનને ૨૬ મત મળ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર નિલાબેન ઉપાધ્યાયને માત્ર ૧૦ સભ્યોનું સમર્થન મળ્યુ હતું. આમ કોંગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા છે. ઈલાબેનને ૩૬માંથી ૨૭ સભ્યોએ સમર્થન આપ્યું હતું. આમ, કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર નિલાબેન ઉપાધ્યાયની હાર થઈ હતી.
કોંગ્રેસના ૧૩ સભ્યોએ વ્હીપનો અનાદર કરી બળવાખોર ઉમેદવાર ઈલાબેન ચૌહાણને મત આપ્યો હતો. આમ, કોંગ્રેસે જિલ્લા પંચાયતમાંથી સત્તા ગુમાવી હતી.