કચ્છમાં માતાના મઢ ખાતે ૨૦ મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસતા બજારમાં પાણી ફરી વળ્યા હતા. દયાપરમાં ગાજવીજ સાથે તો દેશલપર, રવાપાર અને નખત્રાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ મુજબ ૧૦ ઓક્ટોબરથી ગુજરાત સહિત દેશભરમાંથી ચોમાસું વિદાય લેશે. બે દિવસ ગુજરાતમાં હળવા ઝાપટાંની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આકંડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ૧૪૧ ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં ૧૭૩ ટકા નોંધાયો છે. ગુજરાતના ૨૫૧ તાલુકામાંથી ૧૧૭ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ, ૧૨૭ તાલુકામાં ૨૦થી ૪૦ ઇંચ અને ૭ તાલુકામાં ૧૦થી ૨૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વડોદરા શહેરમાં શુક્રવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેને કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે. જેથી ગરબા આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા છે.
ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી વડોદરામાં વરસાદી માહોલ સર્જાયો છે. વડોદરામાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને ૧૧ વાગ્યે અચાનક વરસાદી ઝાપટુ પડ્યું હતું. જેને પગલે ગરબાના આયોજનમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે. ગરબા આયોજકો પણ આજના બદલાયેલા વાતાવરણથી ચિંતામાં મૂકાયા છે અને બપોર બાદ વરસાદ ન પડે તેવી આશા રાખી રહ્યા છે.