ભારતીય રેસર અવિનાશ સાબ્લે ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ક્વોલિફાય થઇ ગયો છે. કતારની રાજધાની દોહામાં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ૩૦૦૦ મીટરની સ્ટીપલચેઝ સ્પર્ધાની ફાઇનલમાં તે ૧૩મા સ્થાને રહ્યો હતો. અવિનાશે ૮ મિનિટ ૨૧.૩૭ સેકેંડમાં રેસ પૂરી કરીને પોતાનો નેશનલ રેકોર્ડ (૮ મિનિટ ૨૫.૨૩ સેકેંડ) તોડ્યો હતો. ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવા માટે સ્ટાન્ડર્ડ ટાઇમ ૮ મિનિટ ૨૨.૦૦ સેકેંડ છે.
મહારાષ્ટ્રના માંડવામાં રહેતો અવિનાશ મંગળવારે હીટ રેસ પૂરી કરી શક્યો નહતો. તે પછી એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ હીટ રેસ દરમિયાન અવિનાશને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો તેવી ફરિયાદ કરી હતી. રેફરીએ તે પછી વીડિયો ફૂટેજમાં ભારતની વાતને સાચી કહી હતી. તેમણે અવિનાશને ફાઇનલમાં ભાગ લેવાની અનુમતિ આપી હતી.
આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન કેન્યાના કોનસેસ્લ્મ કિપરૂટોએ જીત્યો હતો. તેણે ૮ મિનિટ ૧.૩૫ સેકેંડમાં રેસ પૂરી કરી હતી. ઇથોપિયાના લામેચા ગિરમાએ ૮ મિનિટ ૧.૩૬ સેકેંડમાં રેસ પૂરી કરી હતી અને બીજા સ્થાને રહ્યો હતો. મોરક્કોના સાઉફિયાને એલ બક્કલ ૮ મિનિટ ૦૩.૭૬ સેકેંડના ટાઈમિંગ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.