ટીમ ઈન્ડિયાના સભ્ય અને વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને પીઠના નીચેના ભાગે ઈજા થઈ છે. હાલમાં તે સારવાર લેવા માટે લંડનમાં છે. જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી બાદ હવે પંડ્યા ઓછામાં ઓછા પાંચ મહિના ક્રિકેટ મેદાનથી દુર રહેશે. હાર્દિકે હોસ્પિટલ બેડ પરથી પોતાની એક તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરીને મેસેજ મુક્યો હતો કે, બહુ જલ્દી મેદાન પર પાછો ફરીશ.
૨૫ વર્ષીય હાર્દિકે વધુમાં ફેન્સને મેસેજ આપતા કહ્યુ હતુ કે, સર્જરી સફળ રહી છે.ફેન્સની શુભકામનાઓ બદલ આભાર. જ્યાં સુધી મેદાન પર ના આવુ ત્યાં સુધી યાદ રાખજો.
હાર્દિક પંડ્યાને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરિઝમાં સામેલ નહોતો કરાયો ત્યારથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, હાર્દિકને પીઠ પર થયેલી ઈજા વધારે ગંભીર છે. હાર્દિકે સાઉથ આફ્રિકા સામે ટી ૨૦ સિરિઝમાં વાપસી કરી હતી. જોકે તેમાં તેનુ પ્રદર્શન ખાસ રહ્યુ નહોતુ. હવે ઈજાના કારણે હાર્દિક બાંગ્લાદેશ સામેની ટી ૨૦ સિરિઝ પણ ગુમાવશે.