વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઇ ફરસાણની દુકાન ઉપર જઈને ખાસ તો ફાફડા જલેબી અને તે બનાવવા વપરાતા કાચા માલનું ચેકિંગ કરીને નમૂના લીધા હતા.
શહેરના માંજલપુર વારસીયા સયાજીગંજ કડક બજાર અને માર્કેટ ચાર રસ્તા પરની ૨૮ ફરસાણ મીઠાઈની દુકાન તપાસ હાથ ધરી હતી. જોકે દુકાનદારે દુકાનમાં સ્વચ્છતા રાખી છે કે કેમ તેનું પણ ચેકિંગ કર્યું હતું જેમાં ૬ દુકાનદારને સ્વચ્છતાની નોટિસ ફટકારી હતી.
આ ઉપરાંત ફાફડા જલેબી તેમજ બીજી વસ્તુઓના ૧૭ નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. તૈયાર બનેલા ફાફડા બે અને જલેબીના ચાર નમૂના લીધા હતા.
આ સિવાય ફાફડા બનાવવા વપરાતા બેસનના ચાર નમુના પામોલિન અને સિંગતેલનો એક નમુનો જલેબી બનાવવા વપરાતા ઘીના ત્રણ અને મેંદાના બે નમૂના લીધા હતા.કેસરી જલેબી બનાવવા કૃત્રિમ રંગ વાપરવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ કર્યા છે અને બેસન તથા મેંદામાં જીવાત વગેરે છે કે કેમ તે પણ તપાસવામાં આવશે. દશેરા સુધી આ પ્રકારની તપાસ ચાલુ રાખવામાં આવશે.