અમદાવાદ શહેરનાં જોધપુર ચાર રસ્તા પાસે આવેલા વંદેમાતરમ ફ્લેટનાં રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોડક દેવ ઓફિસમાં હોબાળો મચાવ્યો. વંદેમાતરમ ફ્લેટ સામેનાં ખુલ્લા પ્લોટમાં ગંદકી અને કચરાના ઢગ મામલે રહીશોની અનેકવાર રજૂઆત કોર્પોરેશનના અધિકારીઓએ કાને ન ધરતા આખરે રહીશોએ હલ્લાબોલનો માર્ગ અપનાવ્યો.
શહેરનાં જોધપુર ચાર રસ્તા પાસે વંદેમાતરમ ફ્લેટ આવેલો છે. આ ફ્લેટના રહીશોએ શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની બોડકદેવ કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો. ફ્લેટનાં રહીશોએ ફ્લેટની સામેના ખુલ્લા પ્લોટમાં ગંદકી, કચરાના ઢગ અને જે ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેના ફોટોનું એક બેનર બનાવ્યું હતું તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને સુપરત કર્યું. કોર્પોરેશનનાં અધિકારીની ચેમ્બરમાં પણ રહીશોએ ઉગ્ર રજુઆત કરી.
વંદેમાતરમ ફ્લેટના રહીશ જીતુભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું કે સોસાયટી દ્વારા લગભગ છેલ્લા ૨ વર્ષથી અહીં આવેલ કોર્પોરેશનનાં ખુલ્લા પ્લોટમાં ગંદકી,બિસ્માર રસ્તા, ગાયોનાં ત્રાસ, કચરાના ઢગલાનો નિકાલ વગેરે બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જે બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીનો પણ પત્ર રહીશોને મળ્યો હતો કે તાત્કાલિક આ મુદ્દે કાર્યવાહી થશે.પરંતુ તેમ છતાં મુખ્યમંત્રીના આદેશને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘોળીને પી ગયા.