વેસ્ટર્ન રેલવે દ્વારા મુંબઇ-અમદાવાદ-મુંબઇની નવી શરૂ થયેલી તેજસ ટ્રેનનું સંચાલન ખાનગી કંપનીને સોંપાયું છે. આ ખાનગીકરણ સામે વેસ્ટર્ન રેલવેનાં કર્મચારી યુનિયન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરાયું હતું. ’રેલવે મિનિસ્ટર હોશમે આવો’, ’ભારત સરકાર હોશમેં આવો’ના નારા સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે આજે આખા દેશભરમાં રેલવે સ્ટેશન પર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવે કર્મીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કર્મચારીઓની માંગ છે કે તેજસ એક્સપ્રેસ ટ્રેનનું ખાનગીકરણ ન થવું જોઇએ. મહત્વનું છે કે ગઇકાલે ગાઝીયાબાદમાં આવા જ એક વિરોધમાં તેજસ એક્સપ્રેસને રોકવામાં આવી હતી.
તેજસ એક્પ્રેસે દેશની પહેલી ખાનગી ધોરણે ચાલતી રેલવે હશે. ૧૦૦ દિવસનાં એજન્ડાને આગળ વધારતા શરૂઆતના ધોરણે બે ટ્રેનને ખાનગી ધોરણે ચલાવવાનો સરકારે નિર્ણય લીધો છે. કેન્દ્રે તમામ વિરોધ વચ્ચે રેલવેનું ખાનગીકરણ કરવા માટે પગલું ભર્યું છે. રેલવે બોર્ડે દિલ્હી-લખનઉ વચ્ચે અને આ સિવાય ૫૦૦ કિમી લાંબા માર્ગ પર શરૂઆત કરવા માટે પ્રયત્નો કરી રહી છે કે જ્યાં ખાનગી ધોરણે ટ્રેન ચલાવી શકાય.
આ પ્રાઇવેટ ટ્રેન તમામ સુવિધાઓથી સજ્જ હશે. આ સાથે પ્રાઇવેટ ટ્રેન મોડી થશે તો તેની ભરપાઇ પેટે મુસાફરોને રૂપિયા ચૂકવવામાં આવશે. આ ટ્રેનમાં મુસાફરોનો સામાન ચોરાય કે ખોવાઇ જશે તો એક લાખ રૂપિયા સુધીનું વળતર પણ ચૂકવવામાં આવશે. તથા દરેક મુસાફરનો ૨૫ લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટિકિટની સાથે જ ઊતારી લેવામાં આવશે.