રાજયમાં ઠેરઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ખાડાઓ અને ભૂવાઓના સામ્રાજ્યમાં વટેમાર્ગુઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢ બાયપાસ પર પડેલા ખાડાઓના વિરોધમાં ખેડૂત હિતરક્ષક સમિતિએ ખાડાઓમાં સૂઈ જઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનકારીઓએ સરકારી ખાડાના બૅનરો લગાવી અને રસ્તા પર વિરોધ કરતા ચક્કાજામ થયો હતો. વિરોધના કારણે બાયપાસમાં બંને તરફ ટ્રાફિક અટવાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાયા હતા અને સમસ્યાનો વિરોધ કર્યો હતો.
’જૂનાગઢની સિંહ સમાજ પ્રજા જાગો’, ’શું આપણે આપણી પ્રજાને ખંડિત થતાં બચાવીશું’ વગેરે સૂત્રોના બૅનરો સાથે તંત્ર સામે વિરોદ પ્રદર્શન કરાયું હતું. દેખાવકારીઓનો આક્ષેપ હતો કે ખાડે ગયેલા બાયપાસના સમારકામ માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ પગલાં લીધા નથી. જૂનાગઢ બાયપાસ નજીક અનેક રહેણાંક વિસ્તારો પણ આવેલા છે તેમજ દિવસ રાત મોટી સંખ્યામાં વાહનોનું આવનજાવન થાય છે, તેવામાં આ ખાડાના કારણે અકસ્માતો થાય છે. વાહોને તેમજ રાહદારોની સુરક્ષા જોખમાતી હોવાના લીધે આ ખાડાઓ સત્વરે રિપેર થાય તે અનિવાર્ય છે. રાજ્યમાં ચોમાસા બાદ માર્ગો બિસ્માર થયાં છે. ઠેરઠેર ખાડાઓના લીધે સ્ટેટ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની હાલત દયનીય બની છે.
સોરઠના તંત્રએ આ અંગે મૌન ધારણ કર્યુ હોય તેવી સ્થિતિ સર્જાતા આખરે ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ નાગરિકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.