ભારત-બાંગ્લાદેશ વચ્ચે જળ, શિક્ષણ સહિત ૭ કરાર

390

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારે સાત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસિનાએ ત્રણ પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ સાથે જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધનો નવો અધ્યાય શરૂ થયો છે. ભારતે બાંગ્લાદેશથી એલએનજીગેસ આયાત કરીને પૂર્વોત્તર રાજ્યોને પહોંચાડવા માટેના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ભારત અને બાંગ્લાદેશના સંબંધો વધુ ગાઢ બનાવવાની દિશામાં આ મુલાકાત યોજાઈ હતી. બન્ને દેશોએ જળ સંશાધન, યુવા બાબતો, સાંસ્કૃતિક, શિક્ષણ અને દરિયાકાંઠા પર સર્વેક્ષણ સહિતના ક્ષેત્રે સાત જેટલા મહત્વના કરાર કર્યા હતા.

બાંગ્લાદેશના પીએમ શેખ હસિના સાથેની મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ સંક્ષિપ્તમાં જણાવ્યું હતું કે, ભારત બાંગ્લાદેશ સાથેના સંબંધોને મહત્વ આપે છે અને સતત વધી રહેલા સહયોગથી બન્ને રાષ્ટ્રો સમગ્ર વિશ્વને એક આદર્શ પાડોશી દેશોનું ઉદાહરણ પુરું પાડશે. આજની મુલાકાતથી આગામી સમયમાં બન્ને દેશો વચ્ચેનો દ્વીપક્ષીય સંબંધ વધુ ઉર્જાવાન બનશે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં બન્ને દેશોએ ૧૨ પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા જે પૈકી ત્રણ પ્રોજેક્ટસનું આજરોજ ઉદ્ઘાટન કરાયું. આ પ્રોજેક્ટ બન્ને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે.

દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાઈ સુરક્ષા, નાગરિક પરમાણુ ઉર્જા અને વેપાર ક્ષેત્રે દ્વીપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ બાંગ્લાદેશના પીએમ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત તરફથી બાંગ્લાદેશને ઉચ્ચ પ્રાથમિકતાની ખાતરી આપી હતી. બાંગ્લાદેશના પીએમ હસિના ગુરુવારે ભારત આવી પહોંચ્યા હતા. બે દિવસ તેમણે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપી હતી.

Previous articleઅનંતનાગ : ત્રાસવાદીઓનો ફરી ગ્રેનેડ હુમલો, ૧૪થી વધારે ઘાયલ
Next articleતહેવારની સિઝનમાં ગ્રાહકો સુધી બેંકો પહોંચવામાં સફળ