ટ્રાફિકના નવા નિયમોની અમલવારી માટે રાજય સરકારે તા.૧૫મી ઓકટોબર સુધીની રાહત આપી છે ત્યારે આજે રાજય સરકાર દ્વારા હેલ્મેટ, પીયુસી, એચએસઆરપી નંબરપ્લેટ માટેની સમયમર્યાદામાં વાહનચાલકોને થોડી રાહત આપતો નિર્ણય કરી તેની મુદત તા.૩૧મી ઓકટોબર સુધી લંબાવી છે.ર્ ર્દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે લીધેલા નિર્ણયને લઇ લોકોને કંઇક અંશે રાહત થઇ છે. જો કે, હજુ પણ લોકોના હેલ્મેટ, લાયસન્સ સહિતના કામો આરટીઓ તંત્રમાં બાકી હોઇ તેની મુદત પણ ચાર-છ મહિના સુધી વધારવા લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. નાગરિકોએ સરકારને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, હજુ પણ લાખો નાગરિકોના લાયસન્સ, રિન્યુઅલ, ઇન્શ્યોરન્સ સહિતના કામો બાકી છે અને તે પૂર્ણ કરવામાં હજુ ઘણો સમય લાગે તેમ છે. ખુદ આરટીઓ તંત્ર પણ લોકોના ધસારાને તેમ જ એકસાથે આટલા કામના ભારણને પહોંચી વળે તેમ નથી ત્યારે રાજય સરકારે વ્યવહારૂ અભિગમ અપનાવી લાયસન્સ સહિતના કામો લોકો સરળતાથી અને કોઇપણ ભાર વિના પૂર્ણ કરી શકે તે હેતુથી નવા ટ્રાફિક નિયમોની અમલવારી માટે બીજા ચાર-છ મહિનાની મુદત વધારી આપવી જોઇએ. પીયુસીની મુદત સરકાર દ્વારા આજે વધારવાની જાહેરાત વચ્ચે આજે પણ અમદાવાદ સહિત રાજયની વિવિધ આરટીઓ કચેરીમાં હજારો નાગરિકો-વાહનચાલકો લાયસન્સ, રિન્યુઅલ, વાહન ટ્રાન્સફર, આરસી બુક સહિતના કામો માટે લાંબી લાઇનો લગાવીને ઉભા છે. કયાંક સર્વર ધીમુ છે, તો કયાંક ઠપ્પ થઇ જાય છે. લોકો પોતાના નોકરી, ધંધા-રોજગાર છોડીને આરટીઓના લાયસન્સ સહિતના કામો માટે લાંબી લાઇનો લગાવીને રોજ ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ હજુ પણ તેમના કામો સમયસર પૂર્ણ થતા નથી. આરટીઓ તંત્ર રવિવારની રજામાં પણ કચેરી ચાલુ રાખી કામગીરીને પહોંચી વળવાના નિરર્થક પ્રયાસો કરી રહ્યું છે પરંતુ સરકારના સત્તાવાળાઓએ આ વાત સમજવી જોઇએ કે, લાખો લોકોના કામનું ભારણ પંદર-વીસ દિવસમાં પૂરુ થઇ શકે તેમ જ નથી. આ સંજોગોમાં રાજય સરકારે નવા નિયમોની અમલવારી માટે ચાર-છ મહિનાનો વધુ સમય આપી પ્રેકટીકલ વ્યુ લેવામાં જ શાણપણ છે. ઉલ્લેખનીય છે કે, સરકારના વાહનવ્યવહાર મંત્રી દ્વારા ખુદ આજથી પંદર દિવસ પહેલાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોને તકલીફ ના પડે અને લાંબી લાઇનોમાં ઉભા ના રહેવું પડે તે હેતુથી ૯૦૦ પીયુસી સેન્ટરો નવા ખોલવાની મોટા ઉપાડે જાહેરાત કરાઇ હતી.
પરંતુ આશ્ચર્યની અને આઘાતજનક વાત એ છે કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આ નવા ૯૦૦ પીયુસી સેન્ટરો શોધ્યાં જડતા નથી, એટલે કે, જાહેરાતને પંદર દિવસ બાદ પણ હજુ સુધી ૯૦૦ પીયુસી સેન્ટરો ખુલ્યા નથી. આમ, સરકારની પીયુસી સેન્ટરો ખોલવાની જાહેરાત જાણે માત્ર કાગળ પરની અને બૂમરેંગ સાબિત થઇ છે. બીજીબાજુ, આરટીઓ કચેરીમાં લોકો લાયસન્સ, બેકલોગ સહિતની કામગીરી ઝડપથી અને સમયસર થતી નહી હોવાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. ખાસ કરીને, સુભાષબ્રીજ ખાતેની આરટીઓ કચેરીમાં રોજના હજારો લોકો બેકલોગ માટે માથાના દુઃખાવા સમાન પ્રક્રિયામાંથી પસાર થવા મજબૂર બન્યા છે. એકબાજુ, નવરાત્રિ, દિવાળી તહેવારોની મોસમનો માહોલ છવાયેલો છે, બીજીબાજુ, પોલીસ નિર્દોષ નાગિરકો-વાહનચાલકોને હેરાન-પરેશાન કરી રહી છે, તો, નિર્દોષ નાગરિકો તંત્રના વાંકે જાય કયાં અને સરકાર શું કરી રહી છે તેવા ગંભીર સવાલો જનતા ઉઠાવી રહી છે.