ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સોશિયલ મીડિયા મારફતે શુક્રવારે જાહેરજીવન અને રાજનીતિમાંથી વિરામની જાહેરાત કરી દેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં જયરાજસિંહની એક પ્રમાણિક કોંગ્રેસી અને વફાદાર નેતા તરીકેની આગવી છાપ હતી. પક્ષની જાતિવાદી રાજનીતિથી કંટાળીને આ નિર્ણય લીધાનું જયરાજસિંહે જણાવ્યું હતું. ખેરાલુ વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં જયરાજસિંહને ટિકિટની અપેક્ષા હતી. જો કે, પાર્ટીએ તેમને બદલે બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે અને તેના કારણે તેઓ નારાજ છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જયરાજસિંહે કહ્યું કે વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી થાક્યો છું. વિરામની જરૂર લાગે છે. જય માતાજી.કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, દર ચૂંટણી વખતે પાર્ટી જ્ઞાતિવાદી રાજનીતિથી પ્રેરાઇને આવા નિર્ણયો લે છે. હું અઢાર વર્ષની ઉંમરેથી પાર્ટીના પોસ્ટર લગાવવાના કામ કરું છું. મારી જ્ઞાતિને અન્યાયથી આ નિર્ણય લીધો છે. આ જ કારણથી મારી જ્ઞાતિના ઘણાં નેતા ભાજપમાં જોડાઇ ગયા. તેમણે જણાવ્યું કે, મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી પણ નારાજગી વ્યક્ત કરી છે. જો કે, ભવિષ્યમાં તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે વિશેષ ફોડ પાડ્યો નથી. પરંતુ વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ બને તેવી શક્યતા છે. ગુજરાતમાં પેટાચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓમાં નારાજગી પાર્ટીને વધુ નુકસાન કરી શકે છે. છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ૨૧મી ઓક્ટોબરના દિવસે યોજાનાર છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે જ આ બેઠકો ઉપર સીધી સ્પર્ધા થઇ રહી છે. રાજીનામાના સંદર્ભમાં વરિષ્ઠ નેતા તરફથી પ્રતિક્રિયા આવી નથી.