જિલ્લામાં સિંચાઈના પાણી પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત

805
bvn1332018-8.jpg

જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાંથી જિલ્લાભરના ખેડૂતોને સિંચાઈ અર્થે પાણી મેળવવામાં પડી રહેલ તકલીફ સંદર્ભે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રીએ મુખ્યમંત્રી સહિતનાઓને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
ઘોઘા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી સંજયસિંહ ગોહિલ (માલપર)એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ, પાણી પુરવઠા મંત્રી સહિતનાઓને સંબોધી એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં એવા પ્રકારે ઉલ્લેખ કર્યો છે કે, ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ-પાલીતાણા દ્વારા જિલ્લાભરમાં પીવા માટે ઉપરાંત ખેતી માટે પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની સિઝન દરમ્યાન એક થી વધુ વાર ડેમ ઓવરફ્લો થવા છતા શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ખેતી માટે પાણી છોડવામાં ભારે અનિયમિતતા ઉપરાંત છેવાડાના વિસ્તાર સુધી પાણીનો જથ્થો પહોંચતો નથી. જેને લઈ આ મુજબના પગલા લેવા અતિ આવશ્યક છે. જેમાં કમાન્ડ એરિયાના તમામ કેનાલનું નવીનીકરણ કરવામાં આવેલ, પીવાના પાણી અર્થે મ્યુ.કોર્પોરેશન તથા જિલ્લા સિંચાઈ વચ્ચે યોગ્ય બેલેન્સ કરવામાં આવે. ચોમાસાના સમયમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયે વ્યર્થ સમુદ્રમાં વહી જતું પાણી અટકાવી લાખણકા ડેમ (ઘોઘા), બોરતળાવ ભાવનગર હમીપરા ડેમ (પાલીતાણા), રાજપરા ખોડીયાર તળાવ, ગૌતમેશ્વર સરોવર-સિહોરમાં પહોંચાડવામાં આવે આ ઉપરાંત કમાન્ડ એરિયા સિવાયના સિહોર, વલ્લભીપુર, ઉમરાળા સહિતના તાલુકાઓને સિંચાઈનો લાભ મળે તદ્દઉપરાંત શેત્રુંજી ડેમની જળસંગ્રહ સ્થિતિ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. આ આવેદન આપવા અર્થે સંજયસિંહ ગોહિલ-માલપર, જગદિશ જાજડીયા, રૈવતસિંહ ગોહિલ, નિલદિપસિંહ ગોહિલ, રાજુભાઈ મોરી, મુકેશ પંડયા, જગદિશ શેલાણા, બળદેવ સોલંકી સહિતના સભ્યો જોડાયા હતા.

Previous articleમાલપરા ગામેથી જુગાર રમતા પાંચ જબ્બે
Next articleદેસાઈનગર સામે ગોકુળધામ સોસા.માં તીનપત્તીનો જુગાર રમતા સાત ઝડપાયા