શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૩૦૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંક ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક અને બજાજ ફાઈનાન્સના શેરમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. બીજી બાજુ ટીસીએસ, ઇન્ફોસીસ અને આઈટીસીની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૩૦૧૯૮.૬૨ કરોડ રૂપિયા ઘટીને ૬૫૦૪૪૬.૪૭ કરોડ થઇ છે. આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૨૨૮૬૬.૯૩ કરોડ રૂપિયાનો ઘટાડો થઇ ચુક્યો છે. કોટક મહિન્દ્રા અને એચયુએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ક્રમશઃ ૧૫૬૨૪.૬ કરોડ અને ૧૪૨૮૭.૭૬ કરોડ રૂપિયા સુધી ઘટી ગઈ છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ ૧૦૧૭૮.૮૪ કરોડનો ઘટાડો થઇ ચુક્યો છે. બજાજ ફાઈનાન્સની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૯૪૩૭.૯૧ કરોડ રૂપિયા ઘટીને ૨૨૬૩૦૯.૩૭ કરોડ થઇ ગઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ગગડીને ૮૨૮૮૦૮.૬૭ કરોડ થઇ છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં વધારો થયો હોવા છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ સ્થાન ઉપર છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૧૧૪૯ પોઇન્ટ સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં ૩૩૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો. ગાંધી જ્યંતિના દિવસે બીજી ઓક્ટોબરે શેરબજારમાં રજા રહી હતી. આવતીકાલથી નવા કારોબારી સત્રની શરૂઆત થશે.