સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં એસએસસી અને એચએસસી બોર્ડની કસોટીઓનો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. ધો.૧૦ તથા ધો.૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રશ્નપત્રો અનુક્રમે સરળ નિકળતા પરીક્ષાર્થીઓએ શાંત ચિતે પરીક્ષાઓ આપી હતી.
આજરોજ ગુજરાત સ્ટેટ શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડની કસોટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ધો.૧૦માં પ્રથમ વિષય તરીકે ગુજરાતી ભાષાનું પેપર રહ્યું હતું. ભાવનગર શહેરના કુલ ૧પ૧ કેન્દ્રો પર આ પરીક્ષા યોજવામાં આવી હતી. ગુજરાતી ભાષાના પેપર માટે કુલ ૩૮,૪૮૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી ૩૭,૮૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા તેમજ ૬૧૩ વિદ્યાર્થીઓએ કોઈ કારણોસર પેપર લખવાનું ટાળ્યું હતંું. એ જ રીતે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વોનું પેપર અનુક્રમે મધ્યમ પ્રકારનું સાબીત થયું હતું. જે અર્થે ૮૧૪૭ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. પરંતુ ૮૦પ૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૯૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. એ જ રીતે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાનના પેપર માટે પપ૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. ભાવનગર શહેર તથા જિલ્લામાં એચએસસી બોર્ડ માટે ૬૪ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.
આ પરીક્ષાઓ અર્થે બે ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર અને તળાજાનો સમાવેશ થાય છે. આજે પ્રથમ દિવસના પેપરને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોમાંચ અને અનોખો માહોલ જોવા મળી રહ્યો હતો. ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ નિયત સમય કરતા અડધો કલાક વહેલા પરીક્ષા સ્થળે પહોંચી ચુક્યા હતા. પરંતુ તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશતો નિયમ અનુસાર જ આપવામાં આવ્યો હતો. પ્રથમ પેપરને લઈને ભાવનગર શહેર ખાતે જિલ્લા પોલીસવડા પ્રવિણસિંહ માલ, જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ તેમજ ભાજપ તથા કોંગ્રેસના હોદ્દેદારો, સભ્યો, અગ્રણીઓ, સ્કુલ પાસે પહોંચી પ્રત્યેક વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ અર્પણ કરી, ચોકલેટ સહિતની મિઠાઈઓ દ્વારા મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત શહેરની અગ્રગણ્ય સામાજિક સંસ્થાઓ અને શિક્ષણવિદ્દોએ પણ સ્કુલો ખાતે પહોંચી પ્રત્યેક પરીક્ષાર્થીઓને શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલ વચ્ચે પરીક્ષાઓ આપવા જણાવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર પરીક્ષાના માહોલને લઈને ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પોલીસ તંત્ર તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ, સુરક્ષાઓના ચુસ્ત પગલાઓ લીધા હતા. કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે અર્થે જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી સહિતના કાફલાએ શહેરમાં પેટ્રોલીંગ કર્યુ હતું.
એ સાથે શિક્ષણતંત્રની અલગ-અલગ સ્ક્વોર્ડ દ્વારા શહેર-જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાઓ નિહાળવા સાથોસાથ સલામતી અંગેના પગલાઓ ચકાસ્યા હતા. અત્રે નોંધનિય છે કે, આ વર્ષથી પરીક્ષા ખંડમાં રાખવામાં આવેલ સીસીટીવી કેમેરાનું ખાસ ટીમ દ્વારા લાઈવ મોનીટરીંગ અને પરીક્ષા પૂર્ણ થઈ એ ફુટેજનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ પણ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા પરીક્ષા સંદર્ભે કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ માટે પરીક્ષા પૂર્વે તાલીમ સેમીનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણવિદ્દો અને ડીઈઓ દ્વારા જરૂરી પગલાઓ લેવા સાથોસાથ વર્ષ-ર૦૧૮-૧૯ના નવા સુધારાઓ, ફેરફારો, નિયમો વગેરે બાબતો અંગે તમામ પ્રકારની માહિતીઓથી કર્મચારીગણને અવગત કર્યા હતા. બોર્ડની પરીક્ષાને લઈને પીજીવીસીએલ તંત્ર, એસ.ટી. તંત્ર તથા અન્ય ખાનગી પ્રવાસી વાહનો દ્વારા પણ પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને તમામ પરીક્ષાર્થીઓ સલામતીપૂર્વક પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે અને પરીક્ષા પૂર્ણ થયે ક્ષેમકુશળ રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે સાવધાની સાથે ઉમદા પગલાઓ લીધા હતા.