સુરતના ઉદ્યોગજગતમાં મંદી ભરડો લઈ ગઈ છે. દિન પ્રતિદિન શહેરમાંથી આપઘાતની ઘટનાઓ બની રહી છે. હીરા બાદ હવે કાપડ ઉદ્યોગ મંદીની ઝપટમાં છે ત્યારે મંદીના મારથી હતાશ થઈ ગયેલા એક કારખાનેદારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. શહેરના પુણા વિસ્તારમાં રહેતા રવિકાન્ત ગોએન્કાએ પંખાના હૂક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો છે.પ્રાપ્ત અહેવાલો મુજબ પાંડેસરા વિસ્તારમાં ઍમ્બ્રૉઇડરીનું કારખાનુ ધરાવતાં ગોએન્કા છેલ્લા ઘણા સમયથી માંદા ધંધાના કારણે હતાશ હતા. તેમણે બજારમાંથી પૈસા પણ ઉછીના લઈ રાખ્યા હતા. નવરાત્રીની મોસમથી દિવાળીના ધંધાનો વરતારો આવી જતો હોય છે, જોકે, ગોએન્કાના કારખાનામાં ૨૦માંથી ૧૦ મશીન બંધ થઈ જતાં તેઓ હતાશ થઈ ગયા હતા. દરમિયાન મંદીમાંથી બહાર આવવાની આશા ગુમાવી ચુકેલા કારખાનેદારે અંતિમ પગલું ભરી લીધું છે.
પ્રાપ્ત માહિતી મુજબ રવિકાન્ત ગોએન્કાએ પંખાના હૂક સાથે ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી છે. સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને મંદીએ ઘેરી લીધો છે. વેપારીઓ અને કારખાનેદારોએ મંદીમાંથી ઉગારવા માટે સરકારને રજૂઆતો પણ કરી છે. થોડા મહિના પહેલાં જ સુરતના કાપડ અને હીરા ઉદ્યોગનું પ્રતિનિધી મંડળ દિલ્હી દરબારમાં પહોંચ્યું હતું. સુરતના વેપારીઓએ નાણામંત્રી સીતારમણ સમક્ષ રાવ નાંખી હતી. સુરતના ઉદ્યોગ જગતની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ છે. મંદીના માહોલમાં વેપારીઓ રાહતની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સરકાર પણ મંદીને નાથવા અનેક પગલાં ભરી રહી છે. જોકે, આ તમામ ઘટનાક્રમની વચ્ચે સુરતમાં વેપાર-ધંધામાં નિષ્ફળતા મળતાં આપઘાતના બનાવો બની રહ્યા છે.