કોમોડિટી વાયદા બજારના વિરોધમાં આજથી મહેસાણા ગંજબજાર બંધ રહેશે

403

કોમોડિટી વાયદા બજારના કારણે એરંડાના ભાવમાં અચાનક જ ગાબડું પડતાં ખેડૂતો અને વેપારીઓને ભારે નુકશાન વેઠવું પડે તેમ હોઈ ઉ.ગુનાં ગંજબજારોમાં વેપારીઓએ વાયદા બજાર સામે વિરોધ ઉઠાવ્યો છે. જેમાં મહેસાણા ગંજબજારના વેપારીઓ પણ જોડાયા છે અને સોમવારથી અચોક્કસ મુદત માટે વેપાર બંધ રાખવાની જાહેરાત કરી છે.

હાલમાં એરંડાની કોઈ મોટી આવક પણ નથી થઈ કે મીલો પણ બંધ નથી થઈ ગઈ, આવું કોઈ દેખીતું કારણ ન હોવા છતાં માત્ર કોમોડિટી વાયદા બજાર (સટ્ટા)ના કારણે એરંડાના ભાવમાં અચાનક જ મોટું ગાબડું પડતાં ખેડૂતો અને વેપારીઓને પાયમાલ કરી નાખે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

ઉત્તર ગુજરાતમાં એરંડાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ત્યારે મોંઘાં બિયારણ સહિતનો ખર્ચ અને કુદરતની થપાટ વચ્ચે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, તો માલ સ્ટોક પડ્યો હોય તેવા વેપારીઓને પણ ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કોમોડિટીના વાયદા બજારના કારણે અવારનવાર આવી પરિસ્થિતિ ઊભી થતી હોવાથી ઉત્તર ગુજરાતનાં ગંજબજારોના વેપારીઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે અને કોમોડિટી વાયદા બજાર બંધ કરવાનો સૂર ઉઠ્યો છે.

Previous articleનાંદીસણ નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગણી સાથે ગિન્નાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યું
Next articleરોંગ સાઇડ બાઇક હંકારતા બે સગા ભાઇઓએ પીએસઆઇ પર હુમલો કર્યો