નરોડા નેશનલ હેન્ડલુમ પાસે રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકને રોકી તેઓને દંડ ભરવાનું કહેતા બાઈક પર સવાર બે સગા ભાઈઓએ પીએસઆઈ પર હુમલો કરી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રોબેશન પીએસઆઈ જે જી કામળીયા અને સ્ટાફ નરોડા બેઠક પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમ્યાનમાં બેઠક ત્રણ રસ્તાથી નેશનલ હેન્ડલુમ તરફ રોંગ સાઈડમાં એક બાઈક પર બે શખ્સ આવ્યા હતા. જેથી પોલીસે તેઓને રોક્યા હતા. નિયમ ભંગ બદલ દંડ ભરવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તમે કઈ રીતે દંડ ભરાવો છો જોવું છું. તમારા પટ્ટા ઉતરાવી દઈશ. મારે ટ્રાન્સપોર્ટનો ધંધો છે, ટ્રકથી એક્સિડન્ટ કરી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બંનેએ યુનિફોર્મ પકડી અને ઝપાઝપી કરી હતી. એક યુવકે પીએસઆઈનું ગળું પણ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય સ્ટાફે બંનેને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસે અંકિત બલવીરસિંઘ ચૌધરી અને અમિત બલવીરસિંઘ ચૌધરી (બંને. રહે. રતનરાજ સોસાયટી, નાના ચિલોડા)ની ધરપકડ કરી હતી.