રાજકોટમાં ગત ગુરૂવારે કૃણાલ મહેતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જેમાં તેની સુસાઇડ નોટ મળતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું છે કે યુવક ઓનલાઇન જુગારની રમત રમતો હતો જેમાં તે ૭૫ લાખ રૂપિયા હારી ગયો હતો. જેના કારણે યુવકે અંતિમ પગલુ ભર્યું હતું. આ ૭૫ લાખ રૂપિયા તેણે મિત્રોનાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ થકી આપ્યાં હતાં. તાલુકા પોલીસે મૃતકની સુસાઇડ નોટનાં આધારે તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે કૃણાલ રાજકોટની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે બુધવારે પત્ની અને બે બાળકો સાથે નવરાત્રી રમવા ગયો હતો. જે બાદ વહેલી સવારે તે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે પરિવારજનોને લાગ્યું કે તેઓ સવારે ચાલવા માટે કે પછી કોઇ નાસ્તો લેવા ગયા છે. સવારે નવ વાગ્યાની આસપાસ ખબર મળી હતી કે ફ્લેટ નીચે આવેલા કુવામાં કૃણાલની લાશ પડી છે. ત્યારે પરિવારજનોને આ અંતિમ પગલાનું કારણ ખબર ન હતી.
પરિવારને ઘરમાં કૃણાલનાં પર્સમાંથી એક સુસાઇડ નોટ મળી હતી. જેમા યુવકે લખ્યું હતું કે, ઓનલાઈન પોકર ગેમમાં ૭૫ લાખ રૂપિયા હારી ગયો છું. મે ભાઈબંધો, દોસ્તોના ડેબિટ, ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો છે. મારા ફ્રેન્ડસને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે મારા માતા-પિતા પરિવારને હેરાન કરશો નહીં.
હવે પોલીસ યુવકે કયા ક્યા મિત્રો તથા ઓળખીતાનાં ડેબિટ, ક્રેડીટ કાર્ડના ઉપયોગ કર્યા હતા તે માટે ઓનલાઈન ટ્રાન્ઝક્શન ચકાસસે. જે સાથે બેંકમાંથી ડિટેઈલ મેળવાશે. જેના કાર્ડ યુઝ થયા છે તેઓને જુગાર વિશે ખ્યાલ હતો કે કેમ ? કોની સાથે રમતો હતો ? કોને રકમ ચૂકવી હતી સહિતની બાબતોની વિગતો મેળવવા પોલીસ સાઈબર સેલની પણ મદદ લેશે.