તેલંગાણાના ગોસામહેલ સીટ પરથી ભાજપના ધારાસભ્ય રાજાસિંહે ચર્ચાસ્પદ લીડર ઓવૈસી અને તેમના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ઉપર આકરા પ્રહારો કર્યા છે. રાજાસિંહે કહ્યું છે કે, ભારત પ્રત્યે દેશભક્તિ દર્શાવવા માટે ઓવૈસી બંધુ સંઘ સાથે જોડાય તે જરૂરી છે. રાજાસિંહે ઓવૈસીને ગદ્દાર અને અકબરુદ્દીન ઓવૈસીને દેશદ્રોહી તરીકે ગણાવીને તેમની ઝાટકણી કાઢી છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું છે કે, દેશદ્રોહી ગતિવિધિમાંથી દૂર થવા માટે બંને ભાઈઓએ સંઘ સાથે જોડાવવાની જરૂર છે. રાજાસિંહે ઓવૈસીને સંઘમાં સામેલ થવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. રાજાસિંહે એમ પણ કહ્યું હતું કે, ઓવૈસી બંધુઓને જો ભારત પ્રત્યે દેશભક્તિ દર્શાવવી છે તો સંઘમાં સામેલ થવું પડશે. રાજાસિંહે ટિ્વટ કરીને કહ્યું છે કે, આશરે ૧૦૦૦ કાર્યકરોની સાથે તેઓ સંઘના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. તેઓ બંનેને કહેવા માંગે છે કે, ભારત પ્રત્યે દેશભક્તિ દર્શાવવા માટે સંઘ સાથે જોડાવવાની જરૂર છે. ભારત માતાની જય અને વંદે માતરમનો મતલબ શું છે તે બાબત સમજવા માટે સંઘ સાથે જોડાવવાની જરૂર રહેશે. અકબરુદ્દીન ઓવૈસી ગદ્દાર છે અને તેમનો નાનો ભાઈ દેશદ્રોહી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઓવૈસી બંધુ દેશદ્રોહી છે અને ભારત માતાની જય ક્યારે બોલતા નથી. સિંહે એમ પણ કહ્યું હતું કે, સંઘ દેશદ્રોહીઓને લાઠી ઉઠાવીને દેશની બહાર કરવાનું સારીરીતે જાણે છે. હૈદરાબાદની ગોસામહેલ સીટ પરથી જીતી ચુકેલા ભાજપના ધારાસભ્ય ટાઇગર રાજાસિંહ સામાન્યરીતે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. થોડાક મહિના પહેલા જ રાજાસિંહે મુમતાઝ અહેમદ ખાનને હિન્દુ વિરોધી ગણાવીને તેમની સામે શપથ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. રાજાસિંહ તેલંગાણા વિધાનસભામાં એકમાત્ર ભાજપના સભ્ય છે. રાજાસિંહે એ સમયે કહ્યું હતું કે, સમગ્ર દુનિયા જાણે છે કે, પ્રોટેમ સ્પીકર એઆઈએમઆઈએમના સભ્ય છે. જેમની વિચારધારા સંપૂર્ણપણે હિન્દુ વિરોધી છે.
પાર્ટી હિન્દુ ભાવનાઓનું સન્માન કરતી નથી. આ લોકોની પાર્ટીના લોકો હિન્દુ લોકોને ખતમ કરવા માટે ઇચ્છુક છે. કોઇપણ પાર્ટી નેતા ભારત માતાની જય અને વંદેમાતરમ બોલતા નથી. જો તેઓ આ નારાને લગાવવા માટે તૈયાર છે તો તેઓ શપથ લેવાથી કોઇ ખચકાટ અનુભવ કરશે નહીં. રાજાસિંહના નિવેદનને લઇને જોરદાર ચર્ચાઓ છેડાઈ ગઈ છે. જો કે, ભાજપના ટોપ નેતાઓ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયાઓ આવી નથી.