વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ આજે દક્ષિણ આફ્રિકા પર ૨૦૩ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમની બીજી ઇનિંગ્સમાં મોહમ્મદ સામીએ ૩૫ રન આપીને પાંચ વિકેટ લીધી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ ૮૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી. મેચના પાંચમાં અને અંતિમ દિવસે ટીમ ઇન્ડિયાને જીતવા માટે બીજી નવ વિકેટની જરૂર હતી. જીતના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે દિવસના પ્રથમ બે સત્રમાં જ જીત મેળવી લીધી હતી. દિવસના પ્રથમ સત્રમાં મોહમ્મદ સામી અને રવિન્દ્ર જાડેજાએ ઘાતક બોલિંગ કરી હતી અને દક્ષિણ આફ્રિકી ટીમના એક પછી એક સાત બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા જ્યારે અંતિમ બે વિકેટ લેવા માટે ભારતને બીજી ૨૨ ઓવર બોલિંગ ફેંકવાની જરૂર પડી હતી. આ મેચમાં આઠ વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૩૫૦ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી લીધી હતી. આ પહેલા શનિવારના દિવસે ભારતે તેનો બીજો દાવ ચાર વિકેટે ૩૨૩ રને ડિકલેર કર્યા બાદ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૩૯૫ રનની જરૂર હતી. આ ટાર્ગેટના જવાબમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે એક વિકેટ ૧૧ રન કર્યા હતા. આજે પાંચમાં અને અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાના કોઇ બેટ્સમેનો મેદાનમાં ટકી શક્યા ન હતા. બીજી જ ઓવરમાં અશ્વિને બ્રુયનને બોલ્ડ આઉટ કરીને આફ્રિકાની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું. અશ્વિનની આ ટેસ્ટ મેચમાં આઠમી વિકેટ હતી. ૬૬મી ટેસ્ટ મેચ રમી રહેલા ઓફ સ્પીનર અશ્વિને આની સાથે જ વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી હતી. હવે અશ્વિન સૌથી ઝડપથી ૩૫૦ ટેસ્ટ વિકેટ લેનાર શ્રીલંકાના સ્પીનર મુરલીધરનની સાથે આવી ગયો છે. ચોથા દિવસે એક પણ વિકેટ ન મેળવનાર સામીએ પાંચમાં દિવસે તરખાટ મચાવ્યો હતો અને એક પછી એક આફ્રિકન ટીમના ચાર બેટ્સમેનોને બોલ્ડઆઉટ કર્યા હતા. સમીએ સોથી પહેલા બાઉમાને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ પ્લેસીસ ૧૩ રન કરીને આઉટ થયો હતો. ટીમ ઇન્ડિયા આ મેચમાં પોતાની રણનીતિ સાથે મેદાનમાં ઉતરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજાને બોલિંગ આપ્યા બાદ જાડેજાએ ઉત્કૃષ્ઠ બોલિંગ કરી હતી. જાડેજાને હેટ્રિક લેવાની તક હતી પરંતુ બેટિંગ માટે આવેલા ડેન પીટે બોલ સંભાળી લેતા જાડેજા હેટ્રિકથી વંચિત રહ્યો હતો. બીજી બાજુ બીજી ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા તરફથી નવમી વિકેટની ભાગીદારીમાં મુત્થુસ્વામી અને ડેન પીટે ઉપયોગી બેટિંગ કરી હતી.
આ બંનેએ નવમી વિકેટની ભાગીદારીમાં સંઘર્ષપૂર્ણ ૯૧ રન બનાવીને ભારતની જીતને દૂર ધકેલી હતી. જીત માટે સંઘર્ષ આગામી ૩૨ ઓવર સુધી વધારી દેવામાં આ બંને સફળ રહ્યા હતા. પીટે પોતાની કેરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી મયંક અગ્રવાલે ૨૧૫, રોહિત શર્માએ ૧૭૬ રનની ઇનિંગ્સ રમીને ૫૨૦૦ રન કર્યા હતા. જેના જવાબમાં પ્રવાસી ટીમ ૪૩૧ રન કરી શકી હતી. બીજી ઇનિંગ્સમાં ભારત તરફથી રોહિત શર્માએ ૧૨૭ રન અને પુજારાએ ૮૧ રન કર્યા હતા. ભારતે ચાર વિકેટે ૩૨૩ રન બનાવીને દાવ ડિકલેર કર્યા બાદ આફ્રિકાને જીતવા માટે ૩૯૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં આફ્રિકાની ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી.