મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને વિવિધ યોજનાઓના કારણે રાજ્યનું દરિયાઇ મત્સ્ય ઉત્પાદન આજે ૬.૯૯ લાખ મેટ્રિક ટન થયું છે. રાજ્યના મત્સ્ય ઉત્પાદનની વિદેશ નિકાસ થકી રૂ. ૩૬૫૩.૦૩ કરોડનું વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયું છે.
આજે વિધાનસભા ખાતે મત્સ્યોદ્યોગ વિભાગની રૂ.૬૦૯ કરોડની માંગણીઓ રજૂ કરતા મંત્રી ફળદુએ ઉમેર્યું હતું કે, મત્સ્યોદ્યોગના વિકાસ માટે માછીમારોને મદદરૂપ થવા હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ / વેચાણવેરા માફી યોજના માટે રૂ. ૧૨૦ કરોડની જોગવાઇ કરી છે. તેમજ નાની ઓ.બી.એમ. બોટ ધારકોને પ્રતિમાસ ૧૫૦ લીટરની મર્યાદામાં રૂ.૨૫ લેખે કેરોસીન પર સહાય ચૂકવવા માટે રૂ.૨૨ કરોડની જોગવાઇ કરી છે. સાથે સાથે હોડીઓ લાંગરવા અને ઉતરાણની ક્ષમતા વધારવા અને યુરોપીયન યુનિયનના ધારા ધોરણો મુજબ માંગરોળ, નવા બંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોના વિકાસ માટે શરૂઆતની જોગવાઇ માટે રૂ.૨૧૦ લાખ ફાળવાયા છે.
માછીમારોને પ્રોત્સાહિત કરવા માટે નવા મત્સ્ય તળાવોના બાંધકામ ઉપર સહાય આપવા રૂ.૨૮૦ લાખ, મત્સ્યોદ્યોગના વિકાસ માટે વિવિધ ઇનપુટ પર સહાય આપવા રૂ.૧૨૦ લાખ, ગામ તળાવોના સુધારા વધારા કરવા રૂ.૧૦૦ લાખ, દરિયાઇ ફીશીંગ બોટોમાં એન્જીનના રીપ્લેસમેન્ટ માટે નવા એન્જીન ખરીદવા રૂ.૧૦૦૦ લાખ, પ્રાદેશિક વિસ્તારોમાં થતા મત્સ્ય પકડાશને વેગ આપવા, બોટોના બાંધકામ માટે રૂ. ૫૦૦૦ લાખ, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે રૂ. ૧૩૨ લાખ, હયાત મત્સ્ય ઉતરાયણ કેન્દ્રોને વિકસાવવા માટે રૂ.૧૦૦૦ લાખની જોગવાઇ આ વર્ષના અંદાજપત્રમાં કરવામાં આવી છે.