ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી ગયો છે. સાથે સાથે વરસાદ માટેની આગાહી પણ કરવામાં આવી છે. આનો મતલબ એ થયો કે, હજુ વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ પડ્યો છે જેમાં અમરેલી, દાહોદ, લીંબડી, જાલોદ, ગરબાડા, સાબરકાંઠા, કચ્છના ભુજ, બોટાદ, ડેડિયાપાડા, રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. આ તમામ પંથકોમાં વરસાદ ઉપરાંત જુનાગઢમાં પણ તોફાની પવન સાથે વરસાદ થયો છે. વિજળી પડવાના બનાવમાં એકનું મોત થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૦ તાલુકાઓમાં ઉલ્લેખનીયરીતે વરસાદ થઇ ગયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ પડી શકે છે. ગુજરાતમાં આ વખતે ઉલ્લેખનીય વરસાદના કારણે એકબાજુ સરકાર સંતુષ્ટ દેખાઈ રહી છે.
બીજી બાજુ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન પણ થયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં વરસાદ પડ્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નવરાત્રિ ખેલૈયાઓને ફરી એકવાર મુશ્કેલી નડી છે. નવરાત્રિના પહેલા ત્રણ નોરતા સુધી વત્તા ઓછા અંશે પોતાની હાજરી વર્તાવ્યા બાદ મેઘરાજાએ રાજયના મોટાભાગના વિસ્તારોમાંથી જાણે કે, વિરામ લીધો હતો પરંતુ ગઇકાલે સાતમા નોરતે ફરી એકવાર મેઘરાજાએ સૌરાષ્ટ્ર પંથક સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં રિ એન્ટ્રી કરતાં નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકો ફફડી ઉઠયા હતા. આજે આઠમના દિવસે પણ મેઘરાજાએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. બીજીબાજુ, આજે આઠમના દિવસે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકના ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો, જેને લઈને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. રાજકોટના લોધિકા, ખીરસરા અને આસપાસના પંથકોમાં આજે મેઘરાજાએ જોરદાર પધરામણી કરી હતી. તો, દાહોદના લીમડી, ઝાલોદ, સંજેલી, લીમખેડા, ધાનપુર, ગરબાડા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર અને તોફાની વરસાદ ત્રાટકયો હતો. આ જ પ્રમાણે, જૂનાગઢ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતાં નીચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જૂનાગઢના કેશોદના અજાબ ગામે વીજળી પડતાં એકનું મોત થયુ હતુ, જયારે અન્ય બે ને ઇજા પહોંચી હતી. દરમ્યાન અમરેલીના ધારીના ચલાલા, ગોપાલગ્રામ સહિતના પંથકોમાં પણ આજે ભારે વરસાદ નોંધાયો હતો. નર્મદા ડેડિયાપાડાના સામરપાડા અને તેની આસપાસના પંથકોમાં મેઘરાજાની પધરામણીથી વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ હતી. સુરતમાં પણ સરથાણા, વરાછા, પૂણા ગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી હતી.