માં આદ્યશકિતની નવરાત્રિ અને તેમાં પણ આઠમ નિમિતે આજે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, પાવાગઢ મહાકાળી મા, ચોટીલાના ચામુંડા માતા, ભાવનગર માટેલના ખોડિયાર માતાજી, કચ્છના આશાપુરા ખાતેના મંદિરમાં સહિતના મંદિરોમાં પણ ભકતોનું ઘોડાપૂર ઉમટયુ હતું. લાખો શ્રધ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતા. દેશદેવી મા આશાપુરના સ્થાનક માતાના મઢ ખાતે પરંપરાગત ઉજવાતા આસો નવરાત્રિ પર્વે ગઇકાલે શનિવારે રાત્રે ૧૨-૩૫ વાગ્યે સાતમા નોરતે મોડી રાત્રે હોમ હવનમાં શ્રીફળ હોમાયું હતું. જ્યારે આજે રવિવારે સવારે રાજવી પરિવાર દ્વારા જાતર (પતરી) કરાઈ હતી. તો, પાવાગઢના મહાકાળી મંદિરમાં પણ આજે આઠમ નિમિતે ત્રણ લાખથી વધુ ભકતો દર્શનાર્થે ઉમટયા હતા. સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે આજે આઠમ નિમિતે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટયા હતા. આઠમને લઇ આજે શ્રદ્ધાળુ ભકતોનો ભારે ધસારો રહ્યો હતો. અંબાજી માતાજીના વિશેષ હોમ-હવન અને યજ્ઞનો લાભ લઇ માંઇભકતોએ ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આઠમને લઇ તેમ જ દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુ ભકતોના ધસારાના કારણે રાત્રે બે વાગ્યે જ મંદિરના પટ ખોલી દેવામાં આવ્યા હતા. સવારે નવ વાગ્યાથી માતાજીના આઠમના હવનનો ભારે ભકિતભાવ સાથે પ્રારંભ કરાયો હતો. આ હવનની પૂર્ણાહુતિ સાંજે ચાર વાગ્યે હવનકુંડમાં શ્રી ફળ સાથે કરવામાં આવશે. દરમ્યાન કચ્છના સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મઢ ખાતે મોડી રાત સુધી ચાલેતી ધાર્મિકવિધિ બાદ ગઇ રાત્રે ૧૨-૩૫ કલાકે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે શ્રીફળ હોમવામાં આવ્યું હતું.
આ સમયે મંદિર પરિસરમાં ઢોલ શરણાઈના સૂરો તેમજ માતા આશાપુરાના જયજયકારનો નાદ ગુંજી ઉઠ્યો હતો. હોમાત્મક ધાર્મિક વધિમાં શ્રીફળ હોમાયા બાદ મોડી રાત્રે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. આસો સુદ આઠમે આજે મા આશાપુરાને રાજવી પરિવાર દ્વારા જાતર ચઢાવવામાં આવી હતી. વહેલી સવારે અહીંના ચાચરા કુંડ ખાત ેથઈ ઢોલ શરણાઈ તેમજ ડાકલાના સૂરો સાથે ચામર સવારી નીકળી હતી. જે માતાના મંદિરે પહોંચી હતી. રાજ પરિવારના કૃતાર્થસિંહ જાડેજાના હસ્તે માતાજીનું પૂજન અર્ચન કર્યા બાદ મંદિરના પૂજારી તથા તિલાટ દિલુભા ચૌહાણે માતાજીના જમણા ખભાર પર પતરી મૂકી હતી. ડાક આરતી તેમજ ઘંટારવ સાથે અંદાજે સવા મિનિટમાં સમયમાં જ માતાજીની પતરી ઝીલાઈ હતી. બાદમાં રાજવી પરિવારના સભ્યો મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાનાં ઉતારે તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આજે આઠમની પતરી વિધિ યોજાઈ હતી. રવિવારની જાહેર રજા અને આસો સુદ આઠમના કારણે મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટ્યા હતા. માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી. દર્શન કરવા માટે વિદેશી મહિલાઓ પણ આવી હતી. જેમણે પતરી વિધિનો લ્હાવો લીધો હતો. ભક્તોએ આશાપુરા માતાનો ભારે ભકિતાભાવ સાથે જયજયકાર બોલાવ્યો હતો.