જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે એસ.ટી. બસની અનિયમિતતા અને અપુરતી સુવિધાને લઈને શિયાળબેટના ગ્રામજનો દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા શિયાળબેટ ગામ અરબી સમુદ્રના ટાપુ પર વસેલું ગામ છે. ઐતિહાસિક વિરાસતોથી સમૃધ્ધ આ ગામની વસ્તી ૧૭ હજારથી વધુની છે. જે ગામનો અર્થ વ્યવહાર તથા વેપાર વણજ જાફરાબાદ તથા રાજુલા તાલુકા સાથે જોડાયેલો છે. મોટીસંખ્યામાં લોકો હોડી દ્વારા કાંઠે પહોંચી ત્યાંથી એસ.ટી. બસની કનેકટીવીટી પ્રાપ્ત કરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજુલા એસ.ટી. ડેપો દ્વારા પુરી પાડવામાં આવતી પરિવહન સેવા લંગડાતી અને અનિયમિત હોય જેને લઈને શિયાળબેટના ગ્રામજનો ભારે અસુવિધા અને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ પ્રશ્ન સંદર્ભે શિયાળબેટના ગ્રામજનો દ્વારા રાજુલા એસ.ટી. ડેપોના નવનિયુક્ત ડેપો મેનેજર મનિષાબેન ગઢવીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા માંગ કરી છે. તદ્દઉપરાંત એવી ચિમકી પણ આપી છે કે નિર્ધારિત સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી સમુદ્રમાં ચક્કાજામ કરીશું.