ગુજરાત આજે પણ કૃષિ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ સ્થાને છે : કૃષિ મંત્રી આર.સી.ફળદુ

4221
gandhi1432018-1.jpg

કૃષિ અને સહકાર વિભાગની રૂા.૩૪૭૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓને વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવી હતી. કૃષિ વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો વિપક્ષના પ્રશ્નોનો ઉત્તર આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે,  કૃષિ વિભાગમાં પાક વ્યવસ્થા હેઠળની જોગવાઇ ૨૦૧૭-૧૮માં ૨૫૯૧.૩૯ કરોડ હતી જે વધારીને ૨૦૧૮-૧૯માં રૂા.૨૭૨૩ કરોડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોને પ્રોત્સાહક નીતિને કારણે વાવેતર વિસ્તાર પણ વધ્યો છે અને ઉત્પાદન પણ વધ્યું છે. 
૧૯૯૫-૯૬માં ખાધ પાકોનો વાવેતર વિસ્તાર ૩૭.૪૮ લાખ હેક્ટર અને ઉત્પાદન ૪૧ લાખ મે.ટન હતું જે ૨૦૧૬-૧૭માં વાવેતર વિસ્તાર ૩૮ લાખ હેક્ટર અને ઉત્પાદન ૭૪.૧૮ લાખ મે.ટન થયું છે. એ જ રીતે તેલીબીયાના પાકોમાં ૨૪.૧૨ લાખ મે.ટન, કપાસના પાકોમાં ૨૮.૪૧ લાખ ગાંસડીનો વધારો થયો છે.  ૨૦૧૭માં થયેલ કૃષિ મહોત્સવમાં ૩.૮૨ લાખ ખેડૂતોએ લાભ લીધો હતો. ૧.૫૬ લાખ સોઇલ હેલ્થ કાર્ડ તેમજ ૩૨૮૩.૫૭ લાખના વિવિધ સહાયોના ચેક અને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કૃષિ માટે ઉપયોગી એવા જળસંગ્રહ સાધનો જેવા કે, સિંચાઇ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવામાં આવી છે. ૨૦૧૮-૧૯માં જળસંરક્ષણના કામો માટે રૂા.૩૪૭.૯૧ કરોડની જોગવાઇ કરી છે. તે દ્વારા ખેત તલાવડી, તળાવો ઉંડા કરવા, તથા સંગ્રહના સ્ટ્રક્ચર બનાવવા જેવા કામો હાથ ધરવામાં આવશે. ઓછા પાણીએ વધુ પાક લઇ શકાય તેવી સુક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. તેનો લાભ મોટા પ્રમાણમાં ખેડૂતોએ લીધો છે અને પરિણામ સ્વરૂપ ૧૫ લાખ જેટલા વિક્રમી વિસ્તારમાં સુક્ષ્મ સિંચાઇ કાયમી કરી શકાઇ છે અને આઠ લાખથી વધુ ખેડૂતોએ ડ્રીપ સ્પ્રિન્કલર અપનાવી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવ્યું છે. પાણીની સાથે જરૂરી નવા કૃષિ વીજ જોડાણો, વીજ બીલમાં રાહત, સોલાર પંપ જેવી અનેક બાબતોમાં વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કૃષિક્ષેત્રે વપરાતી વીજળી માટે ૨૦૧૮-૧૯માં ૪૫૦૦ કરોડ, ગરીબ પરિવારોને વીના મૂલ્યે વીજ જોડાણ માટે ૨૭.૯૫ કરોડ, નવા કૃષિ વીજ જોડાણ માટે ૧૯૨૧ કરોડ, સોલાર પંપથી સિંચાઇ માટે ૧૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
છેલ્લા પાંચ વર્ષમાં વર્ષે સરેરાશ એક લાખ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ૨૦૧૮-૧૯માં ૧,૨૨,૦૦૦ નવા કૃષિ વીજ જોડાણો આપવા રૂા.૧૯૨૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.    
રાજ્યના ખેડૂતો પરંપરાગત પાકના સ્થાને બીજા પાકો લઇ શકે તે માટે જરૂરી સોઇલ હેલ્થ કાર્ડની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે બે તબક્કામાં રાજ્યમાં ૮૯ લાખ ખેડૂત ખાતેદારોને સોઇલ હેલ્થ કાર્ડ આપવાની કામગીરી પુરી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ૭૮ જમીન ચકાસણી પ્રયોગ શાળાઓમાં પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે.    
રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખાતર મળતું નથી તેવા વિપક્ષના પ્રશ્નોના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ૧૫ જેટલી માન્ય ખાતર વિતરક સંસ્થાઓ , ૮૫૧ જેટલા હોલસેલર અને ૮૮૫૦ જેટલા ખાતર વિક્રેતાઓ ખાતર વિતરણ સાથે સંકળાયેલા છે.
યુરિયાની ૧૭.૬૦ લાખ મે.ટનની જરૂરીયાત સામે ૧૮.૬૦ લાખ મે.ટનની ફાળવણી, ડી.એ.પી. ખાતરમાં ૪.૧૫ લાખ મે.ટનની સામે ૬.૩૧ લાખ, એમઓપી ખાતર ૧.૧૪ લાખ મે.ટનની સામે ૨.૨૦ લાખ મે.ટનની ફાળવણી કરી છે. એટલું જ નહિ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૬૮૭૯૧.૫૫ મે.ટન યુરીયા, ૪૦૮૫૪ ટન ડીએપી, એએસપી ૨૬૭૪૧ મળી કુલ ૧૩૬૫૬૬.૧૫ ટન ખાતરનો જથ્થો સંગ્રહ કરાયો છે. સાથોસાથ બિયારણની સાથે જંતુનાશક દવાઓ પણ સરકારની વિવિધ સંસ્થાઓ દ્વારા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 
રાજ્યના ખેડૂતોને કૃષિ યાંત્રિકરણમાં સહાય માટેની નાણાંકીય સહાયમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. ૨૦૧૧-૧૨થી ૧૭૨.૫૫ કરોડની જોગવાઇ વધારીને ૨૬૯.૧૭ કરોડ કરી ખેડૂતોને મહાત્તમ લાભ આપેલ છે. એટલું જ નહી એગ્રો સર્વિસ પ્રોવાઇડર હેઠળ પાક પધ્ધતિ અનુસાર આધુનિક ખેત ઓજારો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં ૮૫ ટકા અને સામાન્ય વિસ્તારમાં ૭૫ ટકા સુધી સહાય આપવામાં આવી છે.
 રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર ૧૬.૪૧ લાખ હેક્ટરમાં થાય છે. તે રાજ્યના કુલ વાવેતર વિસ્તારના ૧૩ ટકા જેટલું છે અને દેશમાં ચોથું સ્થાન ધરાવે છે. બાગાયત ક્ષેત્રે ગુજરાત જીરૂ વરિયાળીમાં પ્રથમ સ્થાને, પપૈયામાં બીજા સ્થાને, કેળામાં પ્રથમ, ચીકુમાં બીજા, દાડમમાં ત્રીજા, શાકભાજીમાં ત્રીજા ક્રમે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે,  છેલ્લા પંદર વર્ષમાં બાગાયતી પાકોનો ૮.૫૭ લાખ હેક્ટર વિસ્તાર અને ઉત્પાદનમાં ૧૬૪.૨૧ લાખ મે.ટન વધારો થયેલ છે.
રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલી બનાવી ખેડૂતોને પાક સાથે રક્ષણ આપવામાં આવે છે. ખરીફ પાકો માટે ૨ ટકા, ઉનાળુ પાક માટે ૧.૫૦ ટકા તેમજ બાગાયતી-વાણિજ્યીક પાકો માટે ૫ ટકા પ્રિમિયમ ભરવાનું રહે છે. બાકીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકાર સરખે હિસ્સે ભોગવે છે. આ માટે રૂા.૧૦૦૧ કરોડની જોગવાઇ કરી છે.કૃષિમંત્રીએ ખેતી માટે ભારે સાધનો ખરીદવા, ટ્રેક્ટર સહાય માટે રૂ.૧૪૫ કરોડ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ ખેતતલાવડી માટે રૂા.૮૫ કરોડ, ઓર્ગેનીક પોલીસી અંતર્ગત ૧૦ કરોડ સહિત વિવિધ જોગવાઇની માહિતી પૂરી પાડી હતી. 
કૃષિક્ષેત્રે નવી બાબતોની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, શેરડી પાકનું ઉત્પાદન અને ઉત્પાદક્તા વધારવા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પ્રોત્સાહક સહાય માટે રૂા.૨૪.૦૦ કરોડ તેમજ અનુસૂચિત જાતિ માટે રૂા.૬૨.૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
બાગાયત ખાતાની યોજનાઓ માટે ૨૦૧૮-૧૯માં ૩૪૩.૪૨ કરોડ અને નવા કાર્યક્રમો માટે ૩૨.૩૨ કરોડ સહિત રૂ.૩૭૫.૭૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.    
કૃષિ ઉત્પાદન અને સહાય સાથે ભૂમિ અને જળસંરક્ષણ માટે રૂ.૫૪૭.૯૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે અંતર્ગત ૨૮૮ ગામ તળાવ ઉંડા કરવા, ૨૮૯૬ ખેત તલાવડી, ૮૬૦ સીમતલાવડી, ૧૯૧૬ જળસંગ્રાહક સ્ટ્રક્ચર, સહિત ૩૨૮૬૨ હેક્ટર વિસ્તારમાં જમીન અને જળ સંરક્ષણની કામગીરી કરવામાં આવનાર છે.    
વિધાનસભા ગૃહમાં કૃષિ અને ખેડૂત કલ્યાણની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી. 

Previous articleનર્મદાનાં પાણીનો હિસાબ માંગતા ખેડુતોની અટકાયત
Next articleવડલી, નાગેશ્રી ગામે મનરેગા કામના નાણાના ચુકવણા કરવાની રજુઆત