બરવાળા પાસે આવેલ ઉતાવળી નદીમાંથી ચેકડેમ પાસે રાવળદેવ યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.મૃતક યુવાન શનિવાર બપોરનો ગુમ હતો.આ બનાવની જાણ થતા જ બરવાળા પોલિસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે યુવાનનુ મૃત્યુ ક્યા કારણોસર થયુ તે અંગેની તપાસ હાથ ધરી દીધી છે.
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના બરવાળા પાસેથી પસાર થતી ઉતાવળી નદીના ચેકડેમ પાસેથી તા.૦૬/૧૦/ ૨૦૧૯ ના રોજ સવારના ૮ઃ૦૦ વાગ્યાના અરસામાં મહેશભાઈ ભુપતભાઈ બેલમ (ઉ.વ.૩૨) રહે.રાવળશરી, બરવાળાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ બરવાળા પોલિસને થતા શક્તિસિંહ ઝાલા (પી.એસ.આઇ.), એમ.એન.ચૌહાણ,મહાવીરસિંહ રાઠોડ સહિતનો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પી.એમ.અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહેશભાઈ ભુપતભાઈ બેલમ તા.૦૫/૧૦/૨૦૧૯ ના રોજ બપોરથી ગુમ થયેલ હતો જેની આજુબાજુ વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ શોધખોળ કરેલ વિસ્તારમાં યુવાનનો પતો લાગેલ નહોતો ત્યારે રવિવારના રોજ ૮ઃ૦૦ વાગ્યાના સુમારે ગુમ થયેલ યુવાનની લાશ ઉતાવળી નદીના ચેકડેમ પાસે મળી આવી હતી.લાશ મળી આવ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.આ બનાવને પગલે બેલમ પરિવારમાં ઘેરા શોકનું મોજુ ફરી વળયુ હતુ.મૃતક યુવાનનું પી.એમ. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવવામાં આવ્યું હતુ. બરવાળા પોલિસે આ બનાવ અંગે અકસ્માતે મોત મુજબનો ગુનો નોંધી આગળની તપાસ એમ.એન.ચૌહાણ (હે.કો.)બરવાળા પો.સ્ટે.ચલાવી રહ્યા છે.