બાળકો ઉપાડવા આવતી ગેંગનો સાગરિત સમજી લોકોએ ફેરિયાને ઢોર માર માર્યો

392

અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં બાળકો ઉપાડવા આવતી ગેંગનો સાગરિત સમજીને એક વ્યક્તિને ટોળાએ ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં પોલીસ સમયસર આવી જતા યુવકનો બચાવી લેવામાં આવ્યો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને અમદાવાદમાં લાલદરવાજા વીજળીઘર સામે હોટલમાં રહેતા મોહંમદ આશિફ મુલતાની ફેરિયો છે. તેણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે થોડા દિવસ પહેલા જ વતનમાંથી અમદાવાદ આવ્યો હતો. આ યુવક અનેક વિસ્તારમાં લેડીઝ ડ્રેસ મટીરીયલ વેચવા ફરતો હતો. ગઇકાલે બપોરે ઘાટલોડિયા વિસ્તારમાં સોસાયટીઓમાં ડ્રેસ મટિરીયલ્સ વેચવા ગયો હતો. તે દરમિયાન કે.કે.નગરની શાંન્તનુ સોસાયટીમાં જઇને ઘરોમાં મહિલાઓને મટિરિયલ્સ બતાવી રહ્યો હતો. આ સમયે એક ઘરમાંથી પુરૂષ આવ્યો અને તેણે ઊંચા સ્વરમાં કહ્યું કે અહીં કેમ અત્યારે આવ્યો છું. તું ઉભો રહે તેમ કહીને ગુસ્સામાં બહાર આવતા તે ફેરિયો ત્યાંથી ભાગી ગયો હતો.

સોસાયટીનાં યુવકે ટુ વ્હીલર પર તેનો પીછો કરીને પકડી પાડ્યો હતો. જે બાદ યુવક અને સોસાયટીનાં અન્ય માણસોએ મળીને માર પણ માર્યો હતો. આ દરમિયાન કોઇકે પોલીસને ફોન કરતા તે ત્યાં આવી પહોંચતા તે ફેરિયાનો જીવ બચી ગયો હતો. જે બાદ પોલીસ તે ફેરિયાને પોલીસ મથકે લઇ ગયા હતાં. સોસાયટીનાં ટોળા સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleમિસિંગ વૃષ્ટિ કેસ : શિવમે મિત્ર પાસેથી ૧૦ હજાર રૂપિયા લીધા હતાં
Next articleદશેરા નિમિત્તે આરોગ્ય વિભાગ ઠેર ઠેર દરોડાં, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા