ફાફડા જલેબીનાં એક દિવસનાં સ્ટોલ ખોલવા એએમસીની મંજૂરી લેવી પડશે

344

નવરાત્રીનું છેલ્લુ નોરતું છે અને આજે દેશભરમાં વિજયાદશમી એટલે દશેરા ઉજવવામાં આવશે. ગુજરાતમાં તો દશેરાની સવાર ફાફડા જલેબીની સાથે જ થાય છે. ત્યારે હાલ આરોગ્ય ખાતાનાં અધિકારીઓ ફૂડ સેફ્ટી ઓફિસરોએ ફરસાણ અને મીઠાઇની દુકાનમાં કાચા માલની તપાસ કરીને નમૂના લઇ રહ્યાં છે. આ સાથે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે એએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે. એએમસીનાં હેલ્થ અધિકારી ડૉ.ભાવિન જોષીએ જણાવ્યું કે, ’શહેરમાં રોડ રસ્તા પર ફાફડા જલેબીનાં મંડપ બનાવવા માટે આરોગ્ય વિભાગની મંજૂરી લેવી પડશે.’

આ વખતે દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા હશે તો ૧૦થી ૧૫ ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. આ વખતે ફાફડાની કિંમત પ્રતિ કિગ્રાએ રૂપિયા ૪૬૦થી રૂપિયા ૫૨૦ જ્યારે જલેબીની કિંમત પ્રતિ કિગ્રાએ રૂપિયા ૫૮૦થી રૂપિયા ૬૩૦ ચાલી રહી છે. ફાફડા-જલેબી માટેની સામગ્રીની કિંમતમાં વધારો થતાં ફરસાણના વેપારીઓએ ફાફડા-જલેબીની કિંમતમાં પણ ભાવવધારો કરી દીધો છે.

અમદાવાદ ફરસાણ એસોસિયેશને જણાવ્યું હતું કે, ’શહેરમાં ફરસાણ એસોસિયેશનના ૪૦૦ સભ્યો છે. આ ઉપરાંત ૩ હજાર જેટલા નોંધાયા વિનાના ફરસાણનાં વેપારીઓ છે. જેઓ ફાફડા-જલેબીનું વેચાણ કરતા હોય છે. મોટાભાગના વેપારીઓ દશેરાના બે દિવસ પહેલા મંડપ બાંધીને જ ફાફડા-જલેબીનો વેપાર શરૂ કરી દેતા હોય છે.’ જોકે, આ વખતે વરસાદી માહોલ અને મંદીના વાતાવરણને કારણે ફરસાણના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.

Previous articleદશેરા નિમિત્તે આરોગ્ય વિભાગ ઠેર ઠેર દરોડાં, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Next articleબે કાર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત