મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭પનું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, અજ્ઞાન અને દૂરાચારના અંધકારને જ્ઞાન અને સદાચારની, દીપજ્યોતથી પ્રકાશિત કરવાનો તહેવાર એટલે દીપોત્સવ. ઉત્સવો અને પર્વો વૈવિધ્યસભર જીવનનું નવઉન્મેષ છે. પ્રકાશનું એક નાનકડું કિરણ ઘોર અંધકારને ભેદવા માટે પૂરતું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તહેવારો આપણી સાંસ્કૃતિક વિરાસતની ધરોહર છે, પર્વો એકધારા, જીવનમાં નવો ઉત્સાહ અને નવી પ્રેરણા સાથે સામૂહિક ઉજવણીથી નવી તાજગીસભર ચેતનાથી જીવન ભરી દે છે. ભૂતકાળની ભુલોમાંથી શીખીને આવનારા નૂતન વર્ષે નવા સંકલ્પો સાથે ઉજવણી કરવાનો દીપોત્સવ અદકેરો ઉત્સવ છે. આ પ્રસંગે ગુજરાતને દિવ્ય અને ભવ્ય રાજ્ય બનાવી નવી ઊંચાઈએ લઈ જવા સંકલ્પબદ્ધ બનવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીના અને માહિતી સચિવ અશ્વિનીકુમારે દીપોત્સવી અંક વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષની આગવી પરંપરા અનુસાર સાહિત્ય કલા, ઈતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ગુજરાત દીપોત્સવીના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે.
ગુજરાત દીપોત્સવી અંક રાજ્ય તેમ જ રાજ્ય બહારના વાચકોમાં અપ્રતિમ ચાહના ધરાવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. માહિતી નિયામક અશોક કાલરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત દીપોત્સવી-૨૦૭૫માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચકમિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો, વાર્તાઓ, વિનોદિકાઓ, કાવ્યો, નાટકો, ચિત્રો અને તસવીરોના સાત સૂરો છેડી રસથાળ પીરસવામાં આવ્યો છે. મુર્ધન્ય સાહિત્યકારો, ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડ્યા, જોરાવરસિંહ જાદવ, મહંમદ માંકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ, રાજેન્દ્ર શુકલ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે વિવિધ રસસભર સાહિત્યકૃતિઓનો દીપોત્સવી અંકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ દળદાર અંકમાં ૩૩ જેટલા અભ્યાસલેખો, ૩૦ જેટલી નવલિકા, ૨૦ જેટલી વિનોદિકા, ૭ નાટિકા અને ૧૦૭ જેટલી કાવ્ય રચનાઓથી સૌને રસતરબોળ બનાવવા સાથે ૭૬ જેટલી વિવિધ સુંદર અને આકર્ષક તસવીરોથી અંકને વધુ નયનરમ્ય બનાવાયો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ગુજરાત દીપોત્સવી અંકના વિમોચન પ્રસંગે અધિક માહિતી નિયામક અને ગુજરાત દીપોત્સવી અંકના સહ તંત્રી અરવિંદભાઈ પટેલ, સંયુક્ત માહિતી નિયામક અને દીપોત્સવી અંકના સંપાદક પુલક ત્રિવેદી તેમજ માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.