કચ્છ દરિયાઇ સરહદની નજીક ૫ાંચ કરોડના ડ્રગ્સ પેકેટ કબજે

417

કચ્છના દરિયામાં બીએસએફના જવાનોને પેટ્રોલીંગ સમયે લખપત લકી ક્રીક નજીકથી ગઈકાલે સાંજે એક પેકેટ મળ્યું હતું અને આજે પણ સવારે કોટેશ્વર નજીકના દરિયાઈ વિસ્તારના લક્કીનાળા ક્રીક વિસ્તારમાંથી એક બીજું પેકેટ મળી આવ્યું છે. પ્રત્યેકની કિંમત પાંચ કરોડ રૂપિયાની મનાય છે. ગઇકાલે રવિવારે સાંજે બીએસએફની ૧૦૮ બટાલિયનને ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું. જ્યારે આજે સવારે પણ ડ્રગ્સનું પેકેટ મળતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, મે માસમાં કોસ્ટ ગાર્ડે પકડેલી અલ મદીના બોટમાં ૧૯૪ પેકેટ સાથે ડ્રગ્સના કેરિયરોને ઝડપ્યા હતા. ત્યારબાદ બીએસએફ અને પોલીસને ડ્રગ્સના સંખ્યાબંધ પેકેટ મળ્યા હતા. જુલાઈમાં છેલ્લે ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં કોસ્ટ ગાર્ડે જખૌ ઓખા વચ્ચેની ભારતીય દરિયાઈ સીમામાં પાકિસ્તાની બોટ અલ મદીનામાંથી કેરિયરો સાથે ૫૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્‌યું હતું.

દરમ્યાન કેરિયરોએ દરિયામાં ૧૩૬ જેટલો ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા. જેમાંથી અત્યાર સુધી ૧૫ પેકેટને સુરક્ષા એજન્સીઓ અને પોલીસે શોધી લીધા છે. તા.૨૧ મે એ પાકિસ્તાની બોટ અલ મદીનામાંથી ૫૦૦ કરોડથી વધુના ડ્રગ્સ સાથે ૬ પાકિસ્તાનીઓને ઝડપી પાડયા હતા. ડ્રગ્સ કેરિયરો મારફત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ માર્ગે ગુજરાત અને મુંબઈમાં ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ઝડપાયું હતું. જેમાં ૧૩૬ પેકેટને કેરિયરોએ દરિયામાં ફેંકી દીધા હતા. જેની શોધખોળ એજન્સીઓએ કરી હતી. જેમાં ૧૫ પેકેટ દરિયામાંથી મળી આવ્યા હતા. કોસ્ટ ગાર્ડ ઝડપેલા ૬ પાકિસ્તાનીઓ સામે કચ્છના નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ડીઆરઆઈના સીનીયર ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રવણરાજે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં સફદરઅલી અલવારીયું શેખ, અલ્લાહદાદ અલ્લાબક્ષ, અબ્દુલ અઝીઝ મોહમદ જુમા, અબ્દુલગફુર ઓસમાણ બલોચ, અઝીમખાન ઓસમાણ બલોચ, મોહમદમલ્લાહ સના મોહમદ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાસપોર્ટ કે વિઝા વગર ભારતીય જળસીમામાં ઘૂસણખોરી, કલમ ૩, ૬ ફોરેન એક્ટની કલમ ૧૩(બી), ૧૪ (એ), (બી) અંતર્ગત ગુનો નોંધાયો હતો.

Previous articleકલોલ તાલુકાનાં રામનગર ખાતે ગ્રીન મિશન પ્રોજેકટનો શુભારંભ
Next articleગુજરાતભરમાં નવા ૧૧૦૦ પીયુસી સેન્ટર કાર્યરત કરાશે