ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પુણેમાં ગુરુવારથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને ભારતીય ટીમ સંપૂર્ણપણે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જંગી જીત મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
પુણેમાં પીચ ઉપર નજર રાખનાર ક્યુરેટર પાંડુરંગ સલગાંવકરનું કહેવું છે કે, પુણે મેદાનમાં રમાનારી મેચ ખુબજ રોચક બનશે. અહીં ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે અઢી વર્ષના ગાળામાં જ સલગાંવકરની લાઇફમાં પણ ઘણા ફેરફાર થઇ ચુક્યા છે. ૬૯ વર્ષીય પાંડુરંગ સલગાંવકર એમસીએ ખાતે ઇન્ટરનેશનલ ફેસિલિટીમાં ગ્રાઉન્ડ તૈયારી પર નજર રાખનાર અને ટોચના નિષ્ણાત પૈકીના એક એવા પાંડુરંગ સલગાંવકર દ્વારા હાલમાં વ્યાપક ટિકાટિપ્પણીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૭માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ આ મેદાન ઉપર ત્રણ દિવસમાં જ પુરી થઇ ગઇ હતી. સ્પીનરોએ આ મેદાન ઉપર ૩૧ વિકેટ ઝડપી હતી. પુણેમાં પાંચ ટેસ્ટ મેચો હજુ સુધી રમાઈ ચુકી છે. અહીંની વિકેટને લઇને હંમેશા પ્રશ્નો થતાં રહ્યા છે. એમસીએ દ્વારા આઈપીએલ મેચો માટે કોઇપણ તક લેવા ઇચ્છુક ન હતા પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં અલગ સ્થિતિ રહેલી છે. સલગાંવકરનું કહેવું છે કે, ટેસ્ટ ક્રિકેટમાં મેદાન પરની મેચ રોમાંચક બને તેમ અમે ઇચ્છીએ છીએ. સ્પીનરોને આ વિકેટો પર મદદ મળશે કે કેમ અંગે પૂછવામાં આવતા સલગાંવકરે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. હાલમાં જ આ મેદાન ઉપર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે મેચ પણ રમાઈ હતી જે દરમિયાન બંને ટીમોએ શાનદાર રમત રમી હતી. વ્યક્તિગતરીતે જોવામાં આવે તો મોહમ્મદ સામી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મયંક અગ્રવાલ સહિતના ખેલાડીઓ શાનદાર દેખાવ કરી શક્યા છે જ્યારે આફ્રિકા તરફથી ભારતીય સ્પીનરો સામે કોઇ બેટ્સમેનો ટકી શક્યા નથી. પુણે ખાતે રમાનારી મેચને લઇને ક્યુરેટર પાંડુરંગનું કહેવું છે કે, બીજા અને ત્રીજા દિવસે પીચ ઉપર બેટસમેનોને મજા પડશે જ્યારે શરૂઆતમાં ઝડપી બોલરોને વિકેટમાં મદદ મળી શકે છે. સલગાંવકરના કહેવા મુજબ એકાગ્રતા અને મેદાન પર ઉભા રહીને બેટિંગ કરવા ઇચ્છુક ટીમને ફાયદો થશે. પુણેની વિકેટ કેવી રહેશે તેને લઇને જોરદાર ચર્ચા છે ત્યારે પીચ ક્યુરેટર પાંડુરંગે કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા ન આપતા વિકેટને લઇને સસ્પેન્સની સ્થિતિ છે.