ભગવાન કેદારનાથના કપાટ ૨૯ ઓક્ટોબરના રોજ એટલે કે ભાઈબીજના દિવસે સવારે ૮ઃ૩૦ કલાકે બંધ થશે. ભગવાન બદ્રીનાથના પણ કપાટ ૧૭ નવેમ્બરના રોજ સાંજે ૫ :૧૩ મિનિટે ભક્તો માટે બંધ થઇ જશે. દશેરાના અવસરે કપાટ બંધ કરવાની તિથિ વિધિ વિધાન સાથે જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે બદ્રીનાથ અને કેદારનાથના દર્શને રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.
શિયાળો શરુ થતાની સાથે જ બદ્રીનાથ અને કેદારનાથના દર્શન બંધ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભક્તો માટે કપાટ બંધ થયા બાદ શીતકાલીન સમયમાં દેવતાઓ ભગવાનની પૂજા કરે છે. શીતકાલીન સમયમાં ભગવાન બદ્રીનાથની ઉત્સવ મૂર્તિ અને ભગવાન કેદારનાથની મૂર્તિ ઉખીમઠમાં મુકવામાં આવે છે. ભગવાનની પૂજા આવનારા છ માસ દરમિયાન આ જગ્યાઓ પર જ થશે. ચારધામ યાત્રાએ આ વખતે દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. કેદારનાથ ધામમાં અત્યાર સુધી ૯.૫ લાખ લોકોએ અને બદ્રીનાથમાં ૧૧ લાખ લોકોએ દર્શન કર્યા છે. આ પહેલીવાર એવું થયું છે કે આટલી મોટી વિશાળ સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા હતા. ગંગોત્રીમાં ૫ લાખથી વધારે અને યમુનોત્રીમાં ૪.૫ લાખ લોકો દર્શન માટે પહોંચ્યા હતા.