વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નૂર્મ યોજના હેઠળ બીએસ યુપીના એટલે કે શહેરી ગરીબો માટે ત્રીજા ચોથા અને પાંચમા તબક્કામાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૦,૬૧૩ મકાનો બાંધીને ફાળવી દેવાયા છે.
આ મકાનમાં રહેતા લોકોને મકાનની લોનના માસિક હપ્તા ભરી દેવાની તાકીદ કરવામાં આવી છે કારણકે લોકો નિયમિત રૂપિયા ભરતા નથી. શહેરના બાપોદ માણેજા કપુરાઈ સયાજીપુરા, હરીનગર, વડનગર, ગોરવા, અટલાદરા અને તાંદલજા વિસ્તારમાં ફ્લેટ પ્રકારના આ મકાનો બાંધવામાં આવ્યા છે.
આમ તો કોર્પોરેશને આ યોજનામાં શહેરી ગરીબો માટે ૫ તબક્કામાં ૨૧,૬૯૬ મકાનો બાંધ્યા છે અને મકાનોનો ડ્રો કરીને લોકોને ફાળવી દીધા છે. આ મકાન માટે લોકોએ વ્યક્તિગત રીતે લોન લીધી નથી પરંતુ લાભાર્થી ફાળો પૈકી લોન ફાળોના રૂપિયા એક લાખ પાંચ હજારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા અલાયદી રીતે કરવામાં આવી છે.
કોર્પોરેશનના કર્મચારીઓ જે તે મકાન ઉપર જઈને લોન લેટર અને રીસીપ્ટ બુક આપે છે અને લોકોએ તે સ્વીકારી લેવાના રહે છે. લોનનો પ્રથમ હપ્તો ઓગસ્ટ માસથી શરૂ થઈ ગયો છે અને જે તે મહિનામાં તારીખ ૧થી ૧૦ સુધીમાં લોનનો હપ્તો ભરી દેવાનો હોય છે. જો એ પછી હપ્તો ભરાય તો વ્યાજ પણ ચૂકવવું પડે છે.