ખોખરા વિસ્તારમાં બુટલેગરોને પાસા હેઠળ ધરપકડ કરવા ગયેલા ઝોન ૫ ડીસીપી સ્ક્વોડના પોલીસકર્મીઓ પર બુટલેગર અને તેના પરિવારજનોએ હુમલો કરી તેમની પાછળ કૂતરા છુટા મૂકી દીધા હતા. જેથી પોલીસ સાથે ઘર્ષણ ઉભું થયું હતું. આરોપીઓ વિદેશી દારૂનો ધંધો કરે છે અને જ્યારે પોલીસ રેડ કરવા જાય ત્યારે તેમની પાછળ કૂતરા છુટાં મૂકી દે છે. પોલીસે બંને બુટલેગર ભાઈઓ અને તેમની પત્ની સામે ગુનો નોંધી તેમની ધરપકડની તજવીજ શરૂ કરી છે.
ખોખરા મદ્રાસી મંદિર પાસે આવેલી નાણાવટીની ચાલીમાં શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલેષ ચાવડા અને જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ચાવડા નામના બે બુટલેગર ભાઈ વિરુદ્ધ પાસાનો હુકમ થયેલો છે. અવારનવાર તેમને પકડવા જતા તેઓ મળ્યા ન હતા. સોમવારે બપોરે ઝોન ૫ સ્ક્વોડને માહિતી મળી હતી કે બંને ભાઈઓ તેના ઘરે હાજર છે જેથી સ્ક્વોડના માણસો અને ખોખરા પોલીસના માણસો તેઓને પકડવા નાણાવટીની ચાલીમાં ગયા હતા. પોલીસ આવતાની સાથે જ બંનેની પત્નીઓ આરોપીઓને ભગાડવા ધક્કામુક્કી કરી હતી. ઘરમાં જતા જ તેઓએ પાળેલો કૂતરો પોલીસ પાછળ છોડ્યો હતો. કૂતરો કરડવા આવતા પોલીસકર્મી પાછળ ખસી જતા તેઓને ઇજા થઇ હતી. આ દરમ્યાનમાં બંને આરોપીઓ નાસી ગયા હતા. બંને મહિલાઓએ કૂતરાને છુટા મૂકી પોલીસ સાથે ઘર્ષણ અને રુકાવટ ઉભી કરી તેમના પતિને ભગાડી દીધા હતા. જ્યારે પણ પોલીસ વિદેશી દારૂ મામલે કેસ કરવા માટે આ બુટલેગરના ઘરે જાય ત્યારે પણ તેઓ કૂતરા છોડી દેતા હતા, જેથી પોલીસ ત્યાં રેડ કરી શકતી નહોતી. પોલીસને આ રીતે ભયમાં મુકવાનો લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.