રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે પણ મુલાકાત કરશે.
મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ ૧૨મી ઓક્ટોબરના રોજ રાત્રે ૮ઃ૩૦ વાગ્યે ગુજરાત આવી પહોંચશે. આગમનના દિવસે રાષ્ટ્રપતિ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ગાંધીનગર ખાતે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ કોબા ખાતે આવેલા જૈન મંદિરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિના આગમનના પગલે તેમના સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ બે વખત ગુજરાતના પ્રવાસે આવી ચુક્યા છે. આ દરમિયાન તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ, કચ્છ અને સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ૨૦૧૭માં પણ તેઓ સોમનાથની મુલાકાત લઈ ચુક્યા છે.રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદે ન હતા ત્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે.
૨૦૧૬ના વર્ષમાં તેઓ બિહારના રાજ્યપાલ હતા ત્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાત આવ્યા હતા.
૨૦૦૬માં સોમનાથ મંદિર ખાતે યોજાયેલા અખિલ ભારતીય સમાજની રાષ્ટ્રીય કારોબારીમાં પણ તેઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ૨૦૧૨માં જૂનાગઢ ખાતે અક્ષર મંદિરે યોજાયેલા એક સમારંભમાં તેઓ હાજર રહી ચુક્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ન હતા ત્યારે તેઓ ગોંડલ, બગોદરા, સુરેન્દ્રનગર શહેરની મુલાકાત લઈ ચુક્યા છે.