અમદાવાદઃ વડોદરામાં દશેરા નિમિત્તે લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે શસ્ત્રપૂજા કરી હતી. પેલેસના ગાદી હોલમાં રાજપુરોહિતએ મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડને પરિવાર સાથે શસ્ત્રપૂજા કરાવી હતી. વર્ષો પહેલા મહારાજા પોતાના પ્રજાની સેવા કરવા તેમજ દુશ્મનોથી લડવા શસ્ત્રોની પૂજા કરતા હતા તે પરંપરા હજી પણ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં જાળવી રાખવામાં આવી છે. પેલેસમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા, ત્યારબાદ ચામુંડા માતાની પૂજા કરવામાં આવી હતી સાથે જ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે રાજવી પરિવારના શસ્ત્રાગાર હોલમાં જઈ પૂજા અર્ચના કરી હતી. મહારાજાએ તમામ દેશવાસીઓને દશેરા પર્વની શુભકામના પાઠવી હતી. નવરાત્રીનો પવિત્ર તહેવાર પૂર્ણ થયો છે, જેના અંતિમ દિવસે લંકાપતિ દશાનંદ એવા રાવણનો ભગવાન શ્રીરામે વધ કર્યો હતો. જેના ભાગ રૂપે વર્ષોથી ક્ષત્રિયો પોતાના હથિયારની પૂજા કરે છે, ત્યારે દશેરાની પોલીસ દ્વારા પણ પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટ દ્વારા હથિયારોનું પુજન કરવામાં આવ્યું હતું. વિધિપૂર્વક પોલીસકર્મીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા હથિયારોની પૂજા કરીને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે પોલીસ કર્મચારીઓને દશેરા પર્વની શુભકામના આપી હતી. પોલીસ કમિશનરે કહ્યું હતું કે આજના દિવસનું ખાસ મહત્વ છે, જેથી પૂજા કરવામાં આવી છે.
, નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામને અભિનંદન પણ આપ્યા હતાં.