રાજયભરમાં અનેક જગ્યાએ રાવણદહનના કાર્યક્રમો થયા

364

આજે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયભરમાં અને દેશમાં પણ આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પવિત્ર પર્વ વિજયાદશમી-દશેરાનો તહેવાર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ અને ભકિતભાવ સાથે ઉજવાયો હતો. લોકોએ દશેરાની ધામધૂમથી અને ભકિતભાવપૂર્વક ઉજવણી કરી હતી. જેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. આજે શહેર સહિત રાજયભરમાં રાવણદહન, રામલીલા, શસ્ત્રપૂજન, આતશબાજી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહિલા, બાળકો સહિતના લોકોએ રાવણદહન અને આતશબાજીના કાર્યક્રમો થકી ભરપૂર મનોરંજન અને આપણી સંસ્કૃતિના ઇતિહાસને માણ્યો હતો. તો, શહેર સહિત રાજયભરમાં મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં પણ આજે વિજયાદશમીના તહેવારને લઇ શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ ઉમટી હતી. ખાસ કરીને શહેરના શ્રીરામ મંદિરોમાં ભકતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દશેરાના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રાવણદહન અને આતશબાજીના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં અમદાવાદમાં પણ સાત જગ્યાએ રાવણદહન અને આતશબાજીનુ ભવ્ય આયોજન કરાયું હતું. શહેરના સાબરમતી વિસ્તારમાં સૌથી મોટા ૫૧ ફુટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતુ તો, મણિનગર વિસ્તારમાં ૪૫ ફુટ ઉંચા, ઇસ્કોન મંદિર, ભાડજ ખાતે ૪૫ ફુટ ઉંચા અને કર્ણાવતી કલબ ખાતે ૪૧ ફુટ ઉંચા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાના દહન કરવામાં આવ્યા હતા. આમ, આજે દશેરાના પર્વની ઉજવણીને લઇ રાવણદહન, રામલીલા, આતશબાજી સહિતના ભવ્ય કાર્યક્રમોએ લોકોમાં ભારે જમાવટ કરી તેઓને ભરપૂર મનોરંજન પૂરું પાડયુ હતું. રામલીલાના કાર્યક્રમ થકી રામાયણનો પવિત્ર સંદેશ માનવજાતને આપવામાં આવ્યો હતો. અમદાવાદ ઉપરાંત, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં પણ રાવણદહનના પરંપરાગત અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

દરમ્યાન અમદાવાદ શહેરના શાહીબાગ હેડકવાર્ટર્સ ખાતે પોલીસ દ્વારા શસ્ત્રપૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખાસ ભાગ લીધો હતો અને શાસ્ત્રોકત વિધિ સાથે પરંપરાગત શસ્ત્રપૂજનની વિધિ સંપન્ન કરાઇ હતી. અમદાવાદની જેમ જ વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચ સહિતના સ્થળોએ પણ સ્થાનિક હેડકવાર્ટસમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. તો, રાજપૂત સમાજ સહિતના અન્ય સમાજ દ્વારા કે જેમાં શસ્ત્રોનું અનેરુ મહત્વ અને મહાત્મ્ય મનાય છે, તેમાં પણ આજે શસ્ત્રોની ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી અને શૌર્ય રેલીઓ યોજાઇ હતી. દશેરાના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયો હતો. લોકો પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે ફરવા નીકળ્યા હતા અને તહેવારની મોજ માણી હતી.

તો, સ્વાદના રસિયા લોકોએ દશેરાને લઇ ફાફડા જલેબીની જયાફત સહિતની વિવિધ પ્રકારે ઉજવણી કરી હતી.

Previous articleગુજરાતમાં લોકોએ કરોડોના ફાફડા-જલેબીની માણેલ મજા
Next articleરાણપુરના અલમપુર સ્કુલના વિદ્યાર્થીઓએ દ્રિતીય નંબર પ્રાપ્ત કરતા રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા