ચીની પ્રમુખ શી જિંગપિંગ શુક્રવારના દિવસે ચેન્નાઈ પહોંચી રહ્યા છે. આને લઇને ચેન્નાઇમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મમલાપુરમ ખાતે જિંગપિંગ દ્વિપક્ષીય મંત્રણાઓ યોજનાર છે. મોદી-જિંગપિંગ વચ્ચે મંત્રણા આડે બે દિવસનો સમય રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં તૈયારીઓ જોરદારરીતે ચાલી રહી છે. મમલાપુરમ ખાતે આખરીઓપ તમામ વિસ્તારને આપવા કારિગરો લાગેલા છે. અહીં મ્યુનિસિપલ કર્મીઓ સાફ સફાઈમાં લાગેલા છે. બીજી બાજુ અન્ય વર્કરો કામચલાઉ માળખાકીય સુવિધા વિકસિત કરી રહ્યા છે. તમામનું ધ્યાન ખેંચાય તે રીતે પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ મંદિરો અને અન્ય સ્મારકો ખાતે પ્રવાસીઓની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. મંદિર નજીક દુકાનોને બંધ રાખવામાં આવી છે. પહેલી ઓક્ટોબરથી આસપાસની દુકાનોને બંધ કરવામાં આવી હતી. એક દુકાનદારે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, જિલ્લા કલેક્ટરે બેઠક યોજી છે. બે સપ્તાહ માટે બિઝનેસને બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. સેંકડો વિદ્યાર્થીઓ અને ડાન્સરો ચીની પ્રમુખ માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને લઇને રિહર્સલમાં લાગેલા છે. બંગાળના અખાત પર નેવી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાને વધારવા જહાજોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર સુરક્ષા પણ તીવ્ર કરી દેવામાં આવી છે. બીચ સાઇડ રિસોર્ટ ઉપર આ તમામ બેઠકો શરૂ થનાર છે. મોદી અને જિંગપિંગ વચ્ચે અનેક વખત બેઠક યોજાનાર છે. તમિળનાડુ પોલીસના ૮૦૦ પોલીસ જવાનો ટ્રાફિકની કામગીરીમાં લાગી ચુક્યા છે. આઈટીસી ગ્રાન્ડ હોટલમાંથી સુવિધા વધારવામાં આવી રહી છે. ચીની પ્રતિનિધિમંડળ મમલાપુરમ ખાતે રોકાનાર છે.