૪૯ બૌદ્ધિકો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ માટે મોદી સરકાર અને ભાજપને દોષ દેનાર ટીકાકારો પર વળતો પ્રહાર કરતા ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સ્થાપિત હિત ધરાવતા લોકો દ્વારા આ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભાજપ કે કેન્દ્ર સરકારને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી.
સરકારનો બચાવ કરતા ભાજપના વરિષ્ઠ નેતા તેમ જ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે અરજીને મામલે બિહાર કૉર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો હતો.
સરકારે એફઆઈઆર દાખલ ન કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. આ બાબતને ભાજપ કે કેન્દ્ર સરકાર સાથે કંઈ જ લાગતુંવળગતું નથી, એમ તેમણે કહ્યું હતું.
મોદી સરકારને બદનામ કરવાનું સ્થાપિત હિત ધરાવતા અને ટુકડે ટુકડે ગેંગના લોકોનું આ કાવતરું છે અને તેઓ એવી છાપ ઊભી કરવા માગે છે કે સરમુખત્યાર મોદી સરકારના શાસનમાં લોકોના વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવી રહી છે. સ્થાપિત હિતો દ્વારા ચલાવવામાં આવી રહેલું આ નર્યું જુઠ્ઠાણું છે, એમ તેમણે કહ્યું હતું.