પંજાબના બટિંડામાં ડૂંગળી લૂંટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અજાણ્યા શખ્સોએ નાસિકથી ૩૦ ટન ડૂંગળી ભરીને આવી રહેલા ટ્રકના ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરી દીધી. આ શખ્સોએ ડ્રાઈવર પર ધારદાર હથિયારો વડે પણ હૂમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ટ્રક માલિકે ફરિયાદ નોંધાવી છે.
ડૂંગળીના ભાવ વધવાને કારણે જ્યારે સામાન્ય લોકો પરેશાન છે ત્યારે આ શખ્સોએ આ વાતનો ફાયદો ઉઠાવવા માંગતા હતા. પહેલા રામપુરા ફૂલ અને લૂધિયાણામાં મોડી રાત્રે ૩ વાગ્યે ટ્રક રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે ડ્રાઈવરે ટ્રક રોક્યો નહી તો તે શખ્સોએ ટ્રકની ઝડપ ધીમી પડતાં જ ડ્રાઈવર પર તિક્ષ્ણ હથિયારો વડે હૂમલો કરી દીધો. ટ્રક માલિક પણ ટ્રકમાં અંદર સૂઈ રહ્યાં હતાં. ડ્રાઈવરે બૂમો પડતા તે જાગ્યા તો હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા, ઘાયલ ટ્રક ડ્રાઈવરને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યું થયું.
આ ઘટના બાદલ ગામ તરફના રેલવે બ્રીજ પાસે લાડલી ચોક પર થઈ. ટ્રક ડ્રાઈવરની ઓળખ બનવારીલાલ તરીકે થઈ છે. પોલીસે હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, ડ્રાઈવરની હત્યા સાચે જ ડૂંગળીના ટ્રકની ચોરી કરવા માટે જ કરી કે પછી હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે.